રવિવાર, જુલાઈ 07, 2013

સરકારે ટેક્સ કેવી રીતે વસૂલવો?


સરકારે પ્રજા પાસેથી કર કેવી રીતે વસૂલવો તેનું વર્ણન મહાભારતનામાં ઉદાહરણો સાથે ખૂબ જ સુંદર  રીતે કરવામાં આવ્યું છે.
બાણશૈયા પર સૂતેલા શ્રી ભીષ્મપિતા યુધિસ્થીરને કહે છે:-
રાજાએ પ્રજાના હિતને સૌ પહેલા પ્રાથમિકતા આપવી જોઈએ. દેશ, કાળ, બુદ્ધિ અને બળને અનુસરીને પ્રજાપાલન કરવું જોઈએ. રાજાએ એવા પ્રકારના કર્યો કરવા જોઈએ કે જેથી ફક્ત પોતાનું જ નહિ પણ સાથોસાથ પ્રજાનું પણ કલ્યાણ થાય.

ભમરાઓ જેમ ફૂલમાંથી મધને ચૂસે છે તે રીતે રાજાએ રાષ્ટ્રના પ્રજાજનોને દુઃખ દીધા વિના કર વસૂલવો જોઈએ. ગોપાલક ગાયને સંપૂર્ણપણે નીચોવીને દૂધ દોહી લેતો નથી પણ ગાયના વાછરડા માટે પણ દૂધ શેષ રહેવા દે છે. તે જ રીતે રાજાએ પ્રજાને એટલી હદે ના નીચોવવી જોઈએ કે જેથી પ્રજાને ખાવાના પણ ફાંફા પડી જાય. રાજાએ જળોના જેવું થવું; જાળો જેમ કોમળ દંશ દઈને લોહીને ચૂસી લે છે, તેમ રાજાએ કોમળ ઉપાયોની યોજના કરીને પ્રજા પાસેથી કર વસૂલવો જોઈએ. વાળી વાઘણ જેમ પોતાના બચ્ચાને દાંત વડે પકડીને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જાય છે પણ બચ્ચાને સહેજેય પીડા ઉપજાવતી નથી તે પ્રમાણે રાજાએ જનતા પાસેથી કર લેવો જોઈએ. વધુ એક દ્રષ્ટાંત આપતા પિતામહ કહે છે જેમ નિદ્રાધીન મનુષ્યને પ્રથમ ફૂંક મારીને હળવી પીડા થાય તે રીતે ઉંદર કોચી ખાય છે તેમ કોમળ ઉપાયોની યોજના કરીને કર સંપાદન કરવું જોઈએ.

પ્રથમ થોડો કર નાખી પ્રજા પાસેથી ધન લેવું અને ધીરે ધીરે પ્રજાને ભારે ના પડે તે રીતે કરમાં વૃદ્ધિ કરતા જવું. રાજાએ પહેલા તો આગેવાન નાગરિકો પાસથી કર વસુલાત શરુ કરવી અને પછી સામાન્ય નાગરિકોને કર આપતા કરી દેવા. રાજાએ પ્રજાની સાથે કપટ કરી અયોગ્ય રીતે અને અયોગ્ય સમયે કર ના લેવો કારણકે તેમ કરવમાં રાજાએ પ્રજાનો કોપ  અવશ્ય  સહન કરવો પડે છે.

રાજાનો ધર્મ છે કે તેણે મદ્યશાળા , વેશ્યાઓ, દેહવિક્રય માં વ્યસ્ત દલાલો ,  ધર્મહિંસક દુરાચારીઓ , જુગારીઓ, દેશદ્રોહીઓ એ સર્વને નિયમનમાં રાખવા અન્યથા તેઓ સમગ્ર રાજ્યને અને જનસામાન્યને નીતિ ભ્રષ્ટ કરે છે. સારાંશ એ જ કે રાજાએ દુરાચાર આચરી શકાય એવા પાપસ્થાનકો  થવા દેવાં જ નહિ કારણકે તેમાં આસક્ત થયેલો પુરુષ કેવળ સર્વ અકાર્ય જ કરે છે.  અને તેનાથી રાજ્યનો વિનાશ જ થાય છે. 
રાજાએ ખાસ ધ્યાન રાખવું કે તેમના રાજ્યમાં યાચકો અને લુટારુઓ ક્યારેય પ્રવૃત ના થાય. કેમકે તેઓ પ્રજા પાસેથી ધનનું હરણ કરનારાં જ છે અને આ વસ્તુ રાજ્ય માટે કલ્યાણકારી નથી.
રાજ્યના જે અધિકારીઓ નો ઈરાદો ફક્ત અને ફક્ત નાગરિકો પાસેથી ધન કઢાવવાનો જ હોય તેઓને રાજાએ અવશ્ય શિક્ષા કરવી. અને આવા ભ્રષ્ટ અધિકારીઓ પર અન્ય અધિકારીઓ દ્વારા દેખરેખ રખાવવી.

રાજ્યમાં નિવાસ કરતા ધનવાન પુરુષો રાજ્યનું એક મોટું અને અવિભાજ્ય અંગ ગણાય છે માટે ધનવાનોને નિરંતર મન આપવું.

વેપારીઓ પર કર નાખતાં પહેલાં તેઓનો વેપાર કેવી રીતે ચાલે છે, તેઓની શી આવક થાય છે, તેઓ કયે માર્ગે વેપાર કરે છે, વેપારમાંથી તેઓના પરિવારોનો જીવન નિર્વાહ યોગ્યરીતે થાય છે કે નહિ તે તમામ બાબતોની તપાસ કરીને તેઓના ઉપર યથાયોગ્ય કર નાખવો. કારણકે મહદ અંશે અધિકારીઓ મદોન્મત બનીને વેપારીઓને ચૂસી લેવાની વૃત્તિવાળા હોય છે. સારાંશ કે જે પ્રકારની યોજનાથી પ્રજાનો નાશ ના થઇ જાય તે પ્રકારે રાજાએ કર લેવો.

રાજાએ  તૃષ્ણાધીન  થઈને કર લાદવાને બદલે તમામ પરિસ્થિતિઓનો ક્યાસ કાઢ્યા બાદ કર લાદવો. પોતાની લોભવૃત્તિ  વશમાં રાખીને નાગરિકો પ્રત્યે પ્રીતિ દેખાડવી.; કેમકે સર્વભક્ષક તરીકે કુખ્યાત થયેલો રાજા પ્રજાઓના દ્વેષનું પાત્ર બને છે. ગાયની માફક જો રાજ્યને અત્યંત દોહવામાં આવે, તેમાંથી સંપૂર્ણ રસકસ ખેંચી લેવામાં આવે તો  અતિ મોટું રાજ્ય પણ નિર્બળ બની જાય છે. અર્થાત કરના અતિશય બોજથી પ્રજા નિર્માલ્ય અને નીરુદ્યમી બની જાય છે.

જે જે નગરવાસીઓ, દેશવાસીઓ, આશ્રિતો અને ઉપાશ્રિતો અલ્પ ધનવાળા હોય તેઓને રાજાએ યથાશક્તિ ધન આપીને વેપારમાં સહાય કરવી. વેપારીઓને વારંવાર ધીરજ આપ્યા કરવી, તેઓનું રક્ષણ કરવું, દાન આપવું, રાજ્યમાં રહેવા માટે તેઓને વ્યવસ્થા કરી આપવી અને પોતાની સંપત્તિના ભાગીદાર ગણીને તેઓનું પ્રિય કરવું. તેઓનાથી ઉપાડી શકાય તેવા કોમળ કરો લેવા માટે જ રાજાએ સાવધાન રહેવું.
*******

આજના રાજાઓ અર્થાત રાજકારણીઓ અને રાજ્યના વિવિધ વિભાગના અધિકારીઓ  રૈયતના મૃત શરીર પર બેસી મીઠાઈની  મિજબાની ઉડાવી રહ્યા છે.  તમામ ગોરખ ધંધાઓ ચરમ સીમા પર છે. ભ્રષ્ટ અધિકારીઓ પર નજર રાખનારા અધિકારીઓ  વધુ ભ્રષ્ટાચારી છે. કોણ કોને નાથે? બધાની મિલીભગત છે અને  “A STUPID COMMON MAN”  લાચારીથી અને ભયથી આ તમાશો જોઈ રહ્યો છે.
પ્રભુ! જન્માષ્ટમી બહુ દૂર નથી , હવે તો संभवामि युगे युगे નો વાયદો પાળો. કારણકે તમારે અવતરવાની આ શ્લોકની બધી  “CONDITIONS” ફૂલ્ફીલ થઇ ગઈ છે.

ભાર્ગવ અધ્યારૂ 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો