ગુરુવાર, મે 10, 2012

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ



મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.


પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની


અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની


હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની


દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની


જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની


ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની


મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની


ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની


ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની


વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની


ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

                                                         દામોદર ખુશાલદાસ   બોટાદકર




એક નારી જયારે માતા બને છે ત્યારે એક જબરદસ્ત રૂપાંતરણ થાય છે. એક નવા અને આગવા અસ્તિત્ત્વનો ઉદય થાય છે. ઓશોએ ' પ્રસવવેદના' ના સ્થાને ' પ્રસવઆનંદ' શબ્દ પ્રયોજ્યો છે. જગતમાં સૌથી પવિત્ર શબ્દ છે મા . માતા પરમ સત્ય છે અને પિતા આ સત્યના સાક્ષી છે. ' माँ तेरी सूरत से अलग भगवानकी सूरत क्या होगी!' માતા ભગવાનની પ્રતિનિધિ છે જેનું કામ છે સંસારને સખળ ડખલ ના થવા દેવો. અચાનક કોઈ વિપત્તિ આવી પડે સહજ રીતે હે ...મા એવા ઉદગારો સરી પડે છે. ત્યાં ભગવાનનો પણ ગજ નથી ખાતો. માતાનું હ્રદય હિમાલય જેવું અડીખમ અને પુષ્પ સમાન કોમલ છે. એટેલે જ જયારે આપણી પડખે કોઈ ના ઊભું હોય ત્યારે મા પહાડ બનીને ઊભી રહે છે. પિતા બાહ્ય જગતનો પરિચય કરાવે છે જયારે મા આંતર જગતનો પરિચય કરાવે છે. શિશુને અસ્થિ પિતાના મળે છે પણ રક્ત, માંસ, મજ્જા માતાના મળે છે. જે આપણું જતન કરે, ચિંતા કરે અને પ્રેમથી જે ભાણું પીરસે એ મા .

નાયડો કપાય ત્યારે આપણે પેહલીવાર મા થી વિખૂટા થઈએ છીએ. અને માતા જયારે અવ્યક્ત થાય છે ત્યારે અતિ કરુણમય રીતે આપણો નાતો કપાઈ જાય છે. પણ મા ક્યારેય આપણાથી વિખૂટી થતી નથી. એ આપણી સાથે ને સાથે જ હોય છે.એના છૂપા આશીર્વાદ આપણને બળ આપે છે. માતા જેવું મનુષ્યને મળેલુ કોઈ વરદાન નથી. આપણા હાસ્યમાં એનો રણકો હોય છે અને આંસુમાં ભીનાશ. એનો પ્રેમ અસીમ અને કોઈ જ પ્રકારની અપેક્ષા વિનાનો હોય છે. ભયમાંથી નિર્ભય કરનાર મા . શિવાજી જેવા વીર પુરુષ ને વીરત્વ પ્રદાન કરવાવાળી તેમની મા જીજાબાઈ જ હતા. આપણા ચારિત્ર્ય ઘડતરમાં માતાનો સિંહ ફાળો હોય છે.

મા પોતાનું અને સંતાનનું જીવન સાથે સાથે જ જીવે છે. દેહ ભિન્ન, આત્મા એક . અનોખું અદ્વૈત. પિત્ત આપણ ને થાય અને કલેજું મા નું બળે. માથી પોતાના સંતાનની કોઈ વાત અજાણ રહેતી નથી. મા ખરા અર્થમાં અંતર્યામી છે. આપણા ઘરનું અજવાળું, સુંદરતા, સમૃદ્ધિ, વૈભવ સર્વે માના સત્ત્વ અને તત્વ ને આભારી છે. માતા જયારે એના બાળકને પ્રેમ કરે છે ત્યારે એ સૌથી શ્રીમંત હોય છે.

શ્રી વેણીભાઈ પુરોહિતે લખ્યું છે કે " જયારે હું ધ્રુજતા હાથે મારી માતાના મૃતદેહને અગ્નિદાહ આપતો હોઈશ ત્યારે, મને એક ધરપત રહેશે કે મારી માતાની માતા એટલેકે આપણા સૌની માતા જગત -જનની , ભવાની મારી સાથે જ છે અને રહેશે."

                                                                                                     ભાર્ગવ  અધ્યારુ 
                                                                                                    +91-9825038089



(મારી માતાની આઠમી  માસિક પુણ્યતિથિ નિમિત્તે તા.10.05.2012)













ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો