શુક્રવાર, ફેબ્રુઆરી 17, 2012

પ્રાર્થના - a potent weapon

માણસનો અહં ઓગળીને જે પ્રવાહી નીતરે તેનું નીસ્યંદન કર્યા બાદ જે અર્ક એકઠો થાય તેમાંથી પ્રાર્થનાનો પ્રાદુર્ભાવ થાય. પાક દિલનો પૂકાર કે માલિક સાથેની ગુફ્તગુ એટલે બંદગી, ઈબાદત, પ્રેયર કે પ્રાર્થના જે કહો તે. અંતે તો હેમનું હેમ હોય. શરણાગતિ વિના પ્રાર્થના શક્ય નથી. શરણાગતિ અને પ્રાર્થના એક જ સિક્કાની બે બાજુ છે, જે સિક્કાની બંને બાજુ HEADS જ છે. ("શોલે" ના અમિતાભના સિક્કાની જેમ જ.)

તમામ ધાર્મિક જૂથોએ પોતપોતાની "પ્રાર્થનાઓ" ઘડી કાઢી છે, જેનું પોપટીયું રટણ યાંત્રિક પણે રોજ કરવામાં આવે છે. સાચી પ્રાર્થના મૌનમાં ઘટિત થઇ જાય છે અને ત્યારે આપણી મહી બેઠેલો પરમાત્મા આપણને કંઈક CONVEY કરી દે છે. પ્રફુલ્લિત હ્રદયમાં થી જ પ્રાર્થના એક ફુવારાની જેમ ઉદભવે છે.

 ઇચ્છોમાંથી પ્રગટે એ પ્રાર્થના ન કહેવાય, ભીખ કહેવાય. કેટલાક લોકો પ્રભુને કહેતા હોય છે "હે પ્રભુ! મને હોન્ડા સીટી આપો", ભગવાન પણ મલકાતા મલકાતા કહે છે " લે લલ્લુ લેતો જા, હું તો તને બેન્ઝ આપવા ચાહતો હતો." આપણી યોગ્યતાની આપણને જ ખબર નથી. આપણે ભવભવના ભિખારી છીએ. ભીખમાંથી નહિ પણ ભેખમાંથી પ્રગટે એ પ્રાર્થના કહેવાય. પ્રાર્થનામાં આસક્તિ કે લાચારી ના હોય. પ્રાર્થનામાં નમ્રતા અને આર્દ્રતા હોય. પ્રાર્થનામાં નરી ભૌતિક વાસનાઓ ભરવાથી પ્રાર્થના પથ્થર જેવી વજનદાર થઇ જશે- એ તો ડૂબી જશે તળિયે કાયમને માટે. પ્રાર્થના તો હંસલા જેવી હોવી જોઈએ જે માનસરોવરમાં તર્યા કરે.

આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા પ્રાર્થના કરીએ તો તે કાર્ય યોગ બની જાય છે અને સફળતા અંકે સો ટકા! પણ આપણે તો "શકટનો ભાર જેમ શ્વાન તાણે" એમ મુસ્તાક હોઈએ છીએ.આપણે વાર્યા નહિ પણ હાર્યા વળીએ છીએ. જયારે આપણા બળ-બુદ્ધિ જવાબ દઈ દે છે ત્યારે અસલી પ્રાર્થના પ્રગટે છે. માણસને જીવનનો થાક લાગે અને મોતની ધાક લાગે અને ચોતરફ વિપત્તીઓથી  ઘેરાઈ જાય ત્યારે ના છૂટકે પ્રાર્થનાનો સહારો લે છે. 

પ્રાર્થનાથી જીવન જીવવાનું બળ મળે છે, આશ્વાસન મળે છે, નિર્ભયતા મળે છે, હિંમત મળે છે એટલે જ પ્રાર્થનાને "Potent Weapon" છે.

                                                                                                                ભાર્ગવ  અધ્યારુ 

1 ટિપ્પણી:

  1. its a beautiful narration, a talk to Self! You do a good job writing just like many adhvaryus. from bhai to kaka to us, jane vagishwari nu vardaan che aapanne. thoroughly enjoying!

    જવાબ આપોકાઢી નાખો