શુક્રવાર, એપ્રિલ 06, 2012

છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું





છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું 

છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દ્રષ્ટિ
ને કમજોરીઓથી , ભરી આખી સૃષ્ટિ!
અમૃતનું ટીપું મળે  ના મળે, પણ 
થતી રે'તી વણમાગી વિષ કેરી વૃષ્ટિ
નિરાશાના કારણ હજારો હું ભાળું-
છતા માનું; માનવીનું ભાવિ રૂપાળું.


કબૂલ! કંટકોથી ભરેલી ધરણ છે,
ને ચીરાતા ડગલે ને પગલે ચરણ છે.
જુવો જ્યાં જ્યાં ત્યાં કોઈ ને કોઈ રૂપે
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે.
દશે દિશા ભભૂકે અગન કેરી નાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.


ઊગે છે દિવસ તેવા બેચાર નીકળે,
સજીને શહાદતના શણગાર નીકળે.
બલિદાનની, સામે ચાલીને બનવા 
ધધકતી અરૂણ લોહીની ધાર નીકળે,
ભલે ભાસતી પાપની ધીંગી પાળું,
છતાં માનું; માનવીનું  ભાવિ રૂપાળું.


ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવાના ઉરમાં લગન છે.
જગત રીઝ્તું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતના માર્ગે મગન છે.
ભલે ડારતી ભેરવી મુંડ-માળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.


એ રિબાય છે, એ સડે છે, રડે છે,
હઝારો વખત, ચાલતાં એ પડે છે.
એ તરસે છે, નાસે છે, શ્વાસ ભર્યો પણ 
ગમે તેમ તો ય હરદમ લડે છે.
પળે પળ ભરખતી ભલે એને ઝાળું-
છતાં માનું; માનવીનું ભાવિ  રૂપાળું.




                                                                   કરસનદાસ  માણેક 



                                                કવિ શ્રી કરસનદાસ માણેકની આ એક ઉત્કૃષ્ટ રચના છે. વિકટમાં વિકટ પરિસ્થિતિનો ફક્ત  સામનો કરીને જ નહિ પણ તેની સામે જંગ છેડીને, લડીને વિજયી થવાની વાત છે. સાવ જ રસ્તે અફળાતા કે ઉકરડામાં પડેલા પત્થરને પણ એક કાબેલ શિલ્પી ભગવાનની મૂર્તિમાં ફેરવી શકે છે. પાષાણનું, પરમાત્મામની પ્રતિમામાં પરિવર્તન થઇ જાય છે. રોજ દરેક પ્રહરની પૂજા, આરતી અને પુષ્પોના શણગારથી ઉકરડાનો પથ્થર પણ ધન્ય બની જાય છે. અમદાવાદની ઉનાળા અને ભરઉનાળાની ઋતુમાં દૂધનું ફાટી જવું એક ખૂબ જ સામાન્ય અને નિયમિત ઘટના છે. (જો કે ફ્રીઝ આવ્યા પછી આ દુર્ઘટના ઓછી થઇ ગઈ છે.) આ ફાટેલા દૂધનું ગૃહિણીઓ અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં રૂપાંતર કરવામાં કાબેલ છે અને ફાટેલા દુધને પણ એક નવી પહેચાન મળે છે. અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિ બાદ નવા માસનું પહોર પ્રગટે છે. શારજાહના રણ પ્રદેશની ભવ્યતા આરબોએ લીલાછમ ક્રિકેટના મેદાનો બનાવીને દુનિયાને દેખાડી દીધી છે.  અરે! હાલનું કચ્છ તો જુઓ. એક નવોઢા જ જોઈ લ્યો! કચ્છના રણોત્સવે  વિશ્વને રેતની સુંદરતાનું મહાતમ્ય કેવું અને કેટલું હોઈ શકે તેનું ભાન કરાવ્યું છે. જો આ તમામ જડ ચીજોનું  ભાવિ, માનવી રૂપાળું કરી શકતો હોય તો જે સ્વયમ ચેતનાસભર છે તે માનવી પોતાનું ભાવિ કેમ રૂપાળું ના કરી શકે? નિ:શંક કરી શકે. ફક્ત પ્રમાદથી સાવધાન રહી, હરપળ જાગૃત રહી જીવન જીવવાનું છે, જંગ લડવાનો છે. રૂપાળા ભાવિનો માર્ગ સ્વયમ પ્રશસ્ત થઇ જશે.

                                                                                                       ભાર્ગવ અધ્યારુ 
                                                                                                      +91-9825038089

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો