ગુરુવાર, એપ્રિલ 12, 2012

દિલ અને દિમાગનો દ્વન્દ્વ્ :



દિલ અને દિમાગ માણસનાં જીવનના મેદાનના બે ગોલપોસ્ટ છે જેની વચ્ચે માણસ જીવનપર્યંત અથડાતો રહે છે, અફળાતો રહે છે અને પરિણામે અકળાતો રહે છે. દિલનું માનવું કે દિમાગનું એ પ્રશ્ન એને સતત સતાવતો રહે છે અને કોયડારૂપ દ્વિધામાં જીવ્યા કરે છે.

દિલમાંથી પ્રેમ અને કરુણાનું શીતલ ઝરણું અવિરત પણે વહ્યા કરે છે, જયારે દિમાગ કામ, ક્રોધ, લોભ અને મોહની અગન જ્વાળાઓ ઓક્યા કરે છે.

દિલ “ ચલ છૈયા છૈયા “ ગાઈને ઝૂમી શકે છે, નાચી શકે છે, થનગની શકે છે જયારે દિમાગ ને  અહં આડો આવે છે.

દિલ માલિક છે અને દિમાગ ચાકર છે. આ હક્કીકત સમજીને જીવનાર તરી જાય છે. જો દિમાગને માલિક બનાવશો અને દિલને નોકર તો તમારી જીંદગી બેશક તહસ નહસ થઇ જશે.

દિમાગ એક જૈવિક કોમ્પુટર છે. જે માહિતી અને જ્ઞાનને સંગ્રહી રાખે છે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી જાણે છે. માનો કે તે એક યંત્ર છે, એક રોબોટ છે જે માણસ કરતા પણ વધુ કુશળતાથી કાર્યો કરી શકે છે. તેની જરૂરત ગણિતમાં, ધંધા-વેપારમાં અને રોજબરોજની જિંદગીમાં આવશ્યક છે. પણ આપણે એમ માની લઈએકે આ જ જીન્દગી છે તો તે નરી મૂર્ખતા છે. દિલ કહે તે રીતે જીવવામાં જ ડહાપણ છે કારણકે દિલ કેવળ વિધેયાત્મક વાત જ કરે છે. દિલ પાસે શંકા-કુશંકા કઈ કરતા કઈ નથી જયારે દિમાગ તો આ ચીજોથી ખચોખચ ભરેલું છે. દિમાગ પાસે પ્રશ્નોનો ભંડાર છે જયારે દિલ પાસે કેવળ સમસ્યાઓનું સમાધાન જ છે.

દિલની ફળદ્રૂપ ધરતી પર જ પ્રાર્થના, કવિતા અને પ્રેમનાં છોડવા સફળ અને સપુષ્પ ખીલી ઊઠે છે.

દિલ આપણા જીવનનું કેન્દ્રબિંદુ છે જયારે દિમાગ પરિધિ છે. પરિધિ પર મૂર્ખ લોકો જ જીવે છે.જીવનનો ખજાનો ખરેખર કેન્દ્રમાં જ છે. વિજ્ઞાનની પરિભાષા અનુસાર કેન્દ્ર જ શક્તિશાળી હોય છે અને ઇલેક્ટ્રોનસ જુદી જુદી ભ્રમણ કક્ષામાં તેની આજુબાજુ ફરતા હોય છે. દિલ માત્ર મૌનની ભાષા જાણે છે અને દિમાગને મૌનની મહત્તાનું જ્ઞાન નથી. એનો તો તર્ક વિતર્ક નો ઘોંઘાટ જ પસંદ છે. દિલ અને દિમાગ એ બે વિરુદ્ધ ધુવો છે.

દિમાગ એટલેકે બુદ્ધિ ઉચ્ચ જીવન સ્તર આપી શકે છે પણ તેમાં જીવન નથી હોતું. દિલ એટલેકે હૃદય વડે જીવાતું જીવન એજ સાચા અર્થમાં જીવન છે. માટે હૃદયથી જીવો ને જયારે જયારે જરૂર પડે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરો.

“હૃદયને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહિ:

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં, મૂકી કદી કોઈ તોલે નહિ.”


                                                                                                               
 ભાર્ગવ અધ્યારૂ

1 ટિપ્પણી: