“માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય.......
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
ઘરઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઇ પૂજાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેલીઓનની વચ્ચે એના ગૂંજ્યા કરશે પડઘા
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા
ઘડી પહેલા જે ઘર કહેવાતું દીવાલો કહેવાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહિ સરકે
પાંપણ ઉપર દર્પણ જેમ ઘટનાઓ તરડાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
-----સંદીપ ભાટિયા
“કાળ બેઠો કાગવાસ ખાય છે....
કાળ બેઠો બેઠો કાટમાળ ખાય છે.
પશુઓ ખાધાં અને ટહુકા પીધા
અને માણસોની ખાયા કરે લાશ.
ખાઉધરો એવો કે આટલુંય ખાધાં પછી
ક્યાય એને વળતી નથી હાશ.
માનવનાં વૃક્ષની ડાળીઓ કાપીને, દાતણ કરીને,
થીજેલાં આંસુઓની નદીમાં ન્હાય છે.
વીફરેલી સંસ્કૃતિ સાથે સંબંધ
અને સાંજે પીએ લોહીનો શરાબ
ચિતાના લાકડાની સિગરેટ પીએ
અને ધુમાડામાં રોફ ને રુઆબ.
ભૂકંપના તાલે તાલે નાચેકૂદે
અને માણસની મૈયતને
બારાત સમજીને એ તો
નફફટની જેમ ગીત ગાય છે.
કાળ બેઠો બેઠો કાગવાસ ખાય છે.
સુરેશ દલાલ
જીવન અને મરણ બને ત્રણ અક્ષરના શબ્દો છે. માણસ જીવનકાળ દરમ્યાન ચાહે એટલા ઉધામા કરી લે પણ જે જન્મે છે એની અંતિમ મંઝીલ મૃત્યુ નિશ્ચિત જ છે. ધન, દૌલત, સત્તા, ઐશ્વર્ય અને સ્ત્રી સંતાનને આપણે છોડી શકતા ન હતા અને જે ફિકર- ચિંતાઓ આપણને છોડતી ન હતી તેને મૃત્યુ એક પળમાં છોડાવી દે છે. શક્તિશાળી યોધ્ધાને મહાત કરે એવું બળવાન છે મૃત્યુ. બે શત્રુઓને એક પથારીએ સુવડાવે એવું સમાધાનકારી છે આ મૃત્યુ. મૃત્યુ કદી જંપીને બેસતું નથી એવું કાર્યશીલ છે. એ સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ, સમદર્શી અને સમાનધર્મી છે.
જયારે ભૂકંપ, સુનામી, આગજની, પૂર, સામુહિક રોગચાળા જેવી ઘટનાઓ ઘટે ત્યારે મૃત્યુ આતંકવાદી જેવું લાગે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં માણસો અને મિલકતો સફાચટ થઇ જાય છે. એક ક્ષણ માટે ભગવાન કહો કે કુદરત ભરોસો ઊઠી જાય છે. આ પૃથ્વી પર ગમે એટલી વસતિ હોય પણ સ્મશાન કે કબ્રસ્તાનમાં હોય છે એટલી વસતિ કદીય પૃથ્વી પર નથી હોતી.
સદગતના જીવન આદર્શોમાં “શ્રધ્ધા” રાખી વર્તવું એ “શ્રાદ્ધ” અને એના આત્માને તૃપ્તિ થાય તેમ વર્તવું એ “તર્પણ”.
ભાર્ગવ અધ્યારૂ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો