શુક્રવાર, જૂન 22, 2012

સ્વર્ગનો સ્ટોર :-



વર્ષો પહેલા જિંદગીના કેરા હાઇવે પર હું ગયેલો, 



એ વખતે એક અદભૂત એવો અનુભવ મને થયેલો! 




રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું સ્વર્ગનો સ્ટોર, 


કુતૂહલપૂર્વક ત્યાં જઈને ખખડાવ્યું’તું ડોર! 




દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો! 


સ્ટોરનો આખો રસ્તો એણે સરખેથી સમજાવ્યો! 




હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો-સાંભળ ભાઈ! 


જે કઈ જોઈએ ભેગું કરી લઇ આવજે તું આંહી! 




કદાચ પડે જો ટોપલી નાની બીજો ફેરો તું કરજે! 


નિરાંત જીવે ખરીદજે ને ઘરને તારા ભરજે! 




પ્રથમ ઘોડામાંથી બેચાર પેકેટ ધીરજ લીધી, 


પ્રેમ ને ડહાપણ સાથે મેં સમજણ પણ લઇ લીધી! 




બેગ ભરી બે શ્રદ્ધા લીધી, માનવતા શે વીસરું? 


થયું કે થોડી હિંમત લઇ લઉં પછી બહાર જ નીસરું! 




સંગીત, શાંતિ અને આનંદ સૌ ડીસ્કાઉટ રેટે મળતા, 


પુરુષાર્થની ખરીદી પર મફત મળતી’તી સફળતા! 




મુક્તિ મળતી હતી મફત, પ્રાર્થના પેકેટ સાથે. 


લેવાય એટલી લઇ લીધી મેં વહેચવા છુટ્ટે હાથે! 




દયા કરુણા લઇ લીધી, મળતાં ‘તા પડતર ભાવે, 


થયું કદીક જો પડયાં હશે તો કામ કોઈક ને આવ!






ટોપલી મારી ભરાઈ ગઈ’તી જગ્યા રહી’તી થોડી, 


રહેમ પ્રભુની મળતી’તી શી રીતે જાવું છોડી? 




કાઉન્ટર પર પહોંચીને પૂછ્યું કેટલા પૈસા થયા? 


ફીરસ્તાની આંખે પ્રેમના અશ્રુ આવી ગયાં! 




બોલ્યો: “વહેંચજે સૌને આ, કરતો ના સહેજે ઢીલ, 


ભગવાને ખુદ હમણાં જ ચૂકવી દીધું તારું બિલ!!”



                                                                                                       ડો  આઈ  કે  વીજળીવાળા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો