મૈત્રીનું એક જ માપ છે કે મિત્ર ના હોય ત્યારે એની સ્મૃતિ. એની સ્મૃતિ શાતા આપે છે. અને વળી આપે છે હૂંફ. આપણા હોવાપણાનો અનહદ આનંદ મૈત્રીમાં હોય છે . મૈત્રી એટલે open communication. આપણા સુખ કે દુખની કોઈ પણ વાત મિત્રને મોકળાશથી કહી શકાય છે share કરી શકાય છે. અને તેને એ કહેવાની જરૂર નથી હોતી કે આ વાત ખાનગી રાખજે. કેટલીક વાર મૌનની અભિવ્યક્તિ શબ્દ કરતાં વિશેષ પારદર્શક હોય છે. મિત્ર એ જીવનની કિતાબનું મોરપિચ્છ સમું book-mark છે. ઘણીવાર તમારામાં ન હોય એ તત્ત્વ તમને મિત્રમાંથી મળી રહે છે. મિત્રના સથવારે વિશ્વ વધુ ઉજળું લાગે છે. આ જે મિત્ર છે એને આપણા સુખ-દુઃખ સાથે લેવાદેવા છે અને આપણી સિદ્ધિ-પ્રસિદ્ધિ સાથે પણ લેવાદેવા છે. એનામાં ઈર્ષા અને સ્પર્ધાનું તત્ત્વ નથી હોતું. મિત્ર પર ગુસ્સો કરવાનો પણ તમને અધિકાર છે, કારણકે આ ગુસ્સાથી મૈત્રીની સદ્ધર ઈમારતના પાયા કદી ડગમગશે નહિ. મિત્ર આપણી સાચી પ્રતિભાને ઓળખીને આપણને દેખાડે છે. ક્યારેક આપણને ખબર હોતી નથી કે આપણી ભીતર કેવી કેવી સંભાવનાઓના બીજ પડેલા છે. મિત્ર એ ઉજાગર કરીને બતાવે છે. મૈત્રી આપણી હસ્તરેખા નથી પણ જીવનરેખા છે. મૈત્રી આપણી શ્રદ્ધા છે. જીવનના વસંત અને પાનખરમાં મિત્ર આપણી સાથે જ હોય છે. આમ જોઈએ તો મિત્ર મળ્યા બાદ પાનખરનો અવકાશ જ નથી. મૈત્રીમાં પ્રભાતના સૂરજની ઉષ્મા છે અને આથમતા સૂરજની આભા છે. મૈત્રી સ્વયમ વૈભવ છે. મૈત્રીમાં કહેવાનું મૂલ્ય નથી હોતું, પણ જે નથી કહેવાતું એનું મૂલ્ય વિશેષ હોય છે. બે ગાઢ મિત્રો માટે કહી શકાય કે “ One soul dwells in two bodies.”
સિંહોની જેમ મિત્રોનું ટોળું ન હોય. જેને અનેક મિત્રો હોય તેને હકીકતમાં એકેય મિત્ર હોતો નથી. ઓળખાણ એ ખાણ છે તો મૈત્રી એ શિખર છે. જ્યાં સમજણ હોય ત્યાં મૈત્રી હોય. વિચારોની ઉદારતા હોય ત્યાં મૈત્રી હોય.એકમેકની પડખે ઊભા રહેવાની તાકાત હોય ત્યાં મૈત્રી હોય. મૈત્રીને આવતી કાલ ન હોય. એ તો આજે જ હોય. જેની સાથે મુક્ત મને હસી શકો એ તમારો મિત્ર. જેનાં ખભા પર તમે મન મૂકીને રડી શકો એ મિત્ર. લાંબા અરસા બાદ મળતો મિત્ર એ દુકાળ પછીના વરસાદ જેવી વાત છે. અપેક્ષા વિનાનો પ્રેમ મૈત્રીના છોડનું સુંદર રીતે સિંચન કરે છે. અને હૂંફ સૂર્ય પ્રકાશની ગરજ સારે છે. Chance અને Choice એ બે મહત્ત્વના શબ્દો છે. મિત્ર એ by chance મળે છે. નથી તેને શોધવા જવો પડતો અને નથી તેની પસંગી કરી શકાતી. મૈત્રી એટલે વિકલ્પો નહિ પણ ભીતરનો સંકલ્પ. મૈત્રીનું પંચાંગ નથી હોતું. તેનું મુહૂર્ત નથી હોતું. એમાં નથી શુભ-લાભના ચોઘડિયા જોવાના.
“મૈત્રીના સૂર્યને ક્યાંય રાત્રિ નથી.” -----શ્રી હરીન્દ્ર દવે.
ભાર્ગવ અધ્યારૂ
લ.તા. ૦૩.૦૮.૨૦૧૩
Friendship day on 04.08.2013
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો