મંગળવાર, એપ્રિલ 24, 2012

સુખની આખી અનુક્રમણિકા.......

સુખની આખી અનુક્રમણિકા 
અંદર દુઃખના પ્રકરણ,
તમે જીંદગી વાંચી છે?
વાંચો તો પડશે સમજણ.

પૂંઠા વચ્ચે પાના બાંધ્યા, જેમ ડચૂરા બાઝે,
આંસુના ચશ્માં પહેરીને પાને પાના વાંચે.

પથ્થરના વરસાદ વચાળે 
કેમ બચાવો દર્પણ?

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાં ને એ પુસ્તકમાંથી ગાયબ.

ફાટેલા પાનાઓ જેવા,
ફાટી જાતાં સગપણ.

આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.

હશે કદાચિત લેખકજીને 
પીડા નામે વળગણ .....

                                                                                                     
                                                                                                       મૂકેશ જોશી.


જિંદગીની વરવી વાસ્તવિકતા કવિએ વ્યક્ત કરી છે. સાંપ્રત સમયના માણસની લગભગ આવી જ   દશા છે.  જિંદગીનું પુસ્તક આમતો hard bound  દેખાય છે. સુંદર modern art ધરાવતું title page છે.
બીજા પૃષ્ઠ પર જે અનુક્રમણિકા દર્શાવી છે તે જોતા તો એમજ લાગે કે એકે એક પ્રકરણ કેટલું આનંદપ્રદ હશે. પણ વાત એવી કે ફિલ્મનું નામ "આનંદ" પણ ફિલ્મ હૃદયદ્રાવક.
આજે બધા એક બીજાને સુખનું સરનામું પૂછ્યા કરે છે. મતલબ સાફ છે--દરેક વ્યક્તિ  પોતે સુખી છે એવી ભ્રમણામાં જ જીવી રહ્યો છે અને આ હકીકતથી તે અજાણ પણ નથી. માણસ પોતાની positive attitude થી પ્રસન્નતાની અલપ ઝલપ અનુભવતો રહે એ વાત અલગ છે. ખરેખર તો જીવનનું સુખરૂપી ગુલાબ કંટકોથી ઘેરાયેલું છે. હવે તો સ્વપ્નમાં પણ સુખ દુર્લભ બની ગયું છે. horror show  જોઇને સૂતા બાદ સ્વપ્નમાંય  ક્યાંથી સુખની ઝાંખી સરખીય થાય?
આજે અભાવ, અલ્પતા અને અપૂર્ણતાની બોલબાલા છે ત્યારે માણસ સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન ક્યાંથી રહી શકે?
કવિએ ખૂબ જ સરળ અને સરસ રીતે તરતજ સમજાય અને હજમ થાય એવી શૈલીમાં કાવ્ય લખ્યું છે માટે ઝાઝી પીંજણ કરવાની અને વાગોળવાની જરૂર નથી.


ભાર્ગવ અધ્યારુ 
+91-9825038089




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો