પ્રાણ એટલે જીવન.
અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ.
છ દાયકાના બોલીવુડના બાદશાહ, મેટાલિક વોઈસના માલિક અને સંવાદોના શહેનશાહ એટલે પ્રાણ.
આયુર્વેદાચાર્ય ઘસપસશંકર લસપસશંકરનું પ્રાણ સાહેબ વિષે કહેવું છે “ કંઈ કેટલાય પૂરી, કપૂર, ખાન ઈત્યાદિને ખરલ કરી ' ખલનાયકી' નાં કવાથની સહસ્ત્ર ભાવના આપવામાં આવે તો ય પ્રાણ સાહેબ સમો ખલનાયક નિષ્પન્ન નાં થઇ શકે.” ભગવાન શ્રી કૃષ્ણ જો આજે વિભૂતિયોગ કહે તો જરૂર એમ કહે " ખલનાયકો માં ' પ્રાણ' હું છું."
પ્રાણનો જન્મ ૧૨ મી ફેબ્રુઆરી, ૧૯૨૦ નાં દિવસે જૂની દિલ્હીમાં એક સાધન સંપન્ન પરિવારમાં થયો હતો. એમના પિતા ક્રિશન સિકંદ સિવિલ ઈજનેર હતા અને સરકારના રોડ અને બ્રીજ નાં ઠેકેદાર હતા. એમના પિતાજીની અલગ અલગ સ્થાનોએ બદલી થતી હોવાથી પ્રાણનું ભણતર પણ અલગ અલગ ઠેકાણે થયું હતું. ગણિત એ તેમનો પ્રિય વિષય હતો અને તે વિષયની માસ્ટરી એ તેમની કુદરતી ભેટ હતી.
પ્રાણ એ તેમની કારકિર્દી ની શરૂઆત દિલ્હીમાં એક ફોટોગ્રાફર તરીકે એ. દાસ એન્ડ કંપની માં કરી હતી. આ કામ માટે તેઓએ એક વાર સિમલા જવાનું થયું. આપને જાણીને આશ્ચર્ય થશે કે ભવિષ્યના આ ખૂંખાર વિલને સિમલામાં ‘રામલીલા’ નાં સ્ટેજ શો માં સીતાનું પાત્ર ભજવ્યું હતું જેમાં રામનો રોલ મદનપુરી એ અદા કર્યો હતો.
પ્રાણ એ ૧૯૪૫ માં શુક્લા અહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતા. તેમને બે દીકરા નામે, અરવિંદ અને સુનીલ તથા એક દીકરી નામે પીન્કી છે. અરવિંદ Chemical Engineering માં PhD. છે અને લંડનમાં સ્થાયી છે. સુનીલને ફિલ્મ ક્ષેત્રે ઝાઝી સફળતા મળી નથી. પીન્કી નામ મુજબ ગુલાબી જીવન જ જીવતી હશે.
પ્રાણને પ્રથમ રોલ એ ય વિલન તરીકેનો, વાલી મોહમમેદ વાલી ની સીફારીશથી દલસુખ પંચોલીની ફિલ્મ ‘યમલા જાટ’માં ૧૯૪૦ માં મળ્યો. આ ફિલ્મ સુપર હીટ પૂરવાર થઇ.અને પ્રાણ વિલન તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. જો કે ૧૯૪૨ માં તેમણે હીરોની ભૂમિકા ફિલ્મ ‘ ખાનદાન ‘ માં નિભાવી. તેમની હિરોઈન હતી નૂરજહાં. અગાઉ નૂરજહાં એ પ્રાણ સાથે બાળકલાકાર તરીકે પણ કામ કર્યું હતું. લાહોરમાં તેમના નિવાસ દરમ્યાન તેમણે ૨૨ ફિલ્મોમાં અભિનય આપ્યો.
દેશના ભાગલા પડવાને કારણે , પ્રાણ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ નાં દિવસે મુંબઈ આવ્યા. કેટલાક માસની સ્ટ્રગલ પછી તેમને બોમ્બે ટોકીઝ ની ફિલ્મ ‘ઝીદ્દી’ થી બ્રેક મળ્યો. દેવાનંદને પણ આ જ ફિલ્મથી મોટોમસ બ્રેક મળ્યો. કામિની કૌશલ આ ફિલ્મના નાયિકા હતા. ત્યારબાદ પ્રાણ સાહબે ક્યારેય પાછું વળીને જોયું નથી.. આઝાદી બાદ ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘બડી બહન’ એ તેમની ખૂબ જ સફળ ફિલ્મ રહી. ૧૯૫૦ થી ૧૯૬૦ નાં દશક દરમ્યાન પ્રાણ એ રાજકપૂર, દેવાનંદ અને દિલીપકુમાર સામે અસંખ્ય ફિલ્મોમાં સફળ વિલન નાં રોલ અદા કર્યાં. પ્રાણ ઉંમરમાં રાજકપૂર અને દિલીપકુમાર કરતા મોટા હતા છતાં તેમની ફિટનેસ ખૂબ જ સારી રહી અને રાજ અને દિલીપ અદોદળા થઇ ગયા. એટલે ત્યારબાદ પ્રાણ સાહેબે દેવાનંદ, શમ્મીકપૂર, જોય મુખરજી ,ધર્મેન્દ્ર, અને રાજેશ ખન્ના જેવા ટોચના નાયકો સામે ખલનાયક નાં રોલ અદા કર્યાં. પ્રાણ સાહેબનું મહેનતાણું ક્યારેક નાયક કરતા પણ વધુ રહેતું. પ્રાણ સાહેબની મહત્તા પણ નાયક કરતા ઓછી ન અંકાતી અને એટલેજ દરેક ફિલ્મના ટાયટલ માં પ્રાણ સાહેબના નામનો ઉલ્લેખ and Pran અથવાતો above all Pran એ પ્રમાણે થતો. પ્રાણ સાહેબે ૩૫૦ હિન્દી ફિલ્મોમાં અદાકારીના ઓજસ પાથર્યા છે જેમાંની મોટા ભાગની ફિલ્મો સુપર- ડુપર હીટ રહી છે. ૧૯૬૦ થી ૧૯૭૦ નાં દાયકામાં તેમણે બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
પ્રાણની અંદર છુપાયેલા અદાકારનાં આત્માને મનોજકુમારે બરાબર પીછાણ્યો. અને પ્રાણ સાહેબની ખલનાયકની પ્રતિમાને અને પ્રતિભાને ચરિત્ર અભિનેતાની મહોર લાગી. કરીઅરને યુ ટરન મળ્યો. ૧૯૬૭માં પ્રદર્શિત થયેલી મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’ માં પ્રાણને ‘મંગલ ચાચા’ નો યાદગાર રોલ મળ્યો. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યો એક અદભૂત ચરિત્ર અભિનેતા. તેમના પર ફિલ્માવેલું ગીત ‘ કસ્મે વાદ એ પ્યાર વફા’ અવિસ્મરણીય બની ગયું. ત્યારબાદ પ્રાણ સાહેબે૧૯૬૭ થી ૧૯૯૭ દરમ્યાન ચરિત્ર અભિનેતા તરીકે ઘણી બધી બોક્ષ્ ઓફીસ હીટ આપી.
પ્રાણ સાહેબે દાદામુની અશોકકુમાર સાથે ૨૫ કરતાવધુ ફિલ્મો કરી જે પૈકીની ‘ વિક્ટોરિયા નંબર ૨૦૩’ ની રાજા અને રાણાની જોડી અમર બની ગઈ. રીયલ લાઈફમાં પણ આ બન્ને પીઢ અભિનેતાઓ પરમ મિત્રો હતા. પ્રાણ સાહેબ અને બીગ બી પણ ખાસ મિત્રો છે. તેઓએ ડઝનેક ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. ફિલ્મ ‘ઝંજીર’ માટે દેવાનંદ અને ધર્મેન્દ્રએ ઇન્સ્પેક્ટર વિજયનો રોલ નકાર્યો ત્યારે પ્રાણ સાહેબે પ્રકાશ મહેરાને અમિતાભનાં નામનું સૂચન કર્યું. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યા ‘Star of the millennium’, ‘Villain of millennium’ નાં સૂચનથી. જયારે અમિતાભ તેમના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની વિનંતીથી નાદુરસ્ત તબિયત હોવા છતાં પ્રાણ સાહેબે બીગ બી નાં હોમ પ્રોડક્સન ની ફિલ્મોમાં અભિનય આપ્યો. પ્રાણ સાહેબનો મનમોહન દેસાઈ સાથેનો નાતો તેમની પ્રથમ ફિલ્મ છલિયા થી માંડીને બ્લફ માસ્ટર, ધરમ વીર, નસીબ, અમર અકબર અન્થોની પર્યંત ચાલુ રહ્યો.
જગવિખ્યાત પ્રતિભાઓ જેવો ગેટ અપ પ્રાણ સાહેબે કેટલીક ફિલ્મોમાં અપનાવ્યો હતો. ફિલ્મ 'નિગાહે' માં રાજીવ ગાંધીના સલાહકાર સામ પિત્રોડા જેવો, ફિલ્મ 'જુગનું'માં બાંગલા દેશના પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રેહમાન જેવો અને ત્રણેક ફિલ્મોમાં અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન જેવો ગેટ અપ ધારણ કર્યો હતો.
"બરખુરદાર" શબ્દની પેટન્ટ તેમના નામે રજિસ્ટર છે. દરેક ફિલમ માં તેમનો સિગ્નેચર સંવાદ રહેતો જેનો તેઓ વિશેષ અદા સાથે વારંવાર ઉપયોગ કરતા. ચાણક્ય નું પાત્ર ભજવવાનું તેમનું સ્વપ્ન પૂરું ના થયું જે પાત્ર માટે તેમનો ખૂબ જ લગાવ હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ન દશક દરમ્યાન સમગ્ર સમાજ ઉપર તેમની વિલન તરીકેની અદાકારીનો એવો આતંક અને ભય છવાયેલો હતો કે કોઈ માબાપ તેમના સંતાનનું નામ "પ્રાણ" રાખવા તૈયાર ન હતા.
સમયની બાબતમાં તેઓ ચુસ્ત હતા. કંટાળા જનક અને ઘણા લાંબા મેક અપ અને વસ્ત્ર પરિધાન બાદ પણ તેઓ સેટ પર સૌ પ્રથમ હાજર થઇ જતા. ભલે એમનો શોટ પૂરો થઇ જાય પણ તેઓ શૂટિંગ ના અંત સુધી હાજર રહેતા. ક્યારેય કોઈના કામમાં તેઓ દખલઅંદાજી ન કરતા અને તો તેઓ કોઈને કોઈ સલાહ સુચન આપતા. તે ભલા અને તેમનું કામ ભલું.શૂટિંગ બાદ તેઓ ઉર્દુની શેરો-શાયરી અને ગઝલોથી અને હસી-મઝાક થી યુનિટના સભ્યોના દિલ જીતી લેતા. શૂટિંગ બાદ સ્કોચ વિહ્સકી અને સ્મોકિંગ નો આનંદ માણતા. સિગરેટના ધુમાડાની રીંગ કાઢવાની તેમની અનોખી અદા હતી જેનો ઉપયોગ તેમણે ફિલ્મોમાં પણ કર્યો છે.
અમિતાભ બચ્ચને પ્રાણ સાહેબ વિષે જે લખ્યું છે તે આંશિક રૂપે અહી પ્રસ્તુત છે.
"Pran Saab has been colossus, his presence affecting myriad generations of film viewers. He has given cinema just that with his seamless artistry. Screen villainy is a thankless job which Pran saab accepted and carried out with such a degree of perfection that he became the actor that entire nation loved to hate. That indeed was the measure of his extraordinary success. He donned the mantle of a character artist with equal skill and felicity. Versatility became his imprimatur.He used his eyes, voice, diction, facial mobility and body language to a powerful effect.He would not do anything that was vulgar or unaesthetic.Pran saab is extremely shy. He has been one of my kindest guides and masters. Curiously ,Pran saab would never see his own films.Pran saab has led a life of self-respect and dignity.Regrettably, he has not received an iota of the recognition which he deserves in abundance.An artist of his stature would have been lionised in the U.S., Europe, wherever.Nothing can take away from Pran saab's boundless contribution to Indian cinema."
પ્રાણ સાહેબને ૧૯૬૭,૧૯૬૯, અને ૧૯૭૨ માં ઉત્તમ સહાયક અભિનેતાના ફિલ્મ ફેર અવોર્ડસ મળ્યા હતા. સને ૧૯૯૭ માં ફિલ્મ ફેર નો Life Time Achievement અવોર્ડ એનાયત થયો હતો. ૨૦૦૧ માં તેમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં CNN ના " Top 25 Asian actors of all time" ની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.
ફિલ્મ કારકિર્દી ની સથોસાથ પ્રાણ સાહેબે સામાજિક જવાબદારીઓ પણ બખૂબી નિભાવી છે.
હાલ, ૯૨ વર્ષ વટાવી ચુકેલા પ્રાણ સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, એવી પ્રભુને પ્રાર્થના!
ભાર્ગવ અધ્યારુ .
ગઈકાલે હિન્દી ફિલ્મોના પ્રાણ ઉડી ગયા અને હિન્દી સિનેમા રંક બની ગયું.
પ્રાણ સાહેબને દાદા સાહેબ એવોર્ડ આખરે અપાયો પણે એવે સમયે કે જયારે તેઓ તે ઉપલબ્ધિ ને સમજી શકે તેમ પણ ન હતા. પ્રાણ સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે અગાઉનો બ્લોગ ફરી પબ્લીશ કરી રહ્યો છું.
wow! I loved it from the 1st paragraph till end. Bhargav you are surpassing capabilities of so many so called journalists!
જવાબ આપોકાઢી નાખોRasesh
Bhai Rashesh and Mallika,
કાઢી નાખોThanks for your encouraging comments. I tried a different subject this time.
Jay Amba from Bharggav and family.