દામ્પત્ય ઋચા
સંસારપ્રવેશ માટે કટિબદ્ધ થયેલા યુવકના હાથમાં લગ્નપ્રસંગે શ્રીફળ શા માટે મુકાતું હશે?
શ્રીફળ સાફલ્યનું પ્રતિક છે. ઉપરથી કઠોર હોવા છતાં ભીતરથી મૃદુ અને મધુર શ્રીફળ કહે છે કે મુસીબતોનો દ્રઢતા અને હિંમતથી સામનો કરીશ તો જ સુખ, શાંતિ અને આનંદની મધુરતા મળશે.
લગ્ન એટલે સ્ત્રીપુરુષના જીવનની જોડણી, ગૃહસ્થાશ્રમની દીક્ષા.
ઈશ્વરપ્રેમ અને વિશ્વપ્રેમ તરફની નરનારીની પ્રગતિનું મહત્ત્વનું સોપાન એટલે લગ્ન.
સુખદુઃખમાં સાથે ભાગીદાર બની, જીવતરના તોફાનો સામે અડીખમ ઊભું રહેતું અને આગળ ધપતું ભાવ્યોન્નત સહજીવન એટલે લગ્ન.
તમારા પતિને તેમના વ્યવસાયિક કામકાજમાં પૂરી સ્વતન્ત્રતા આપજો. તેમના સાથીઓ વિષે કે તેમના આવવા જવાના સમય વિષે ટીકા કરી ગૃહસ્થજીવન કડવું ન બનાવશો.
તમારા ઘરને રસિક, આકર્ષક અને સુશોભિત બનાવવા માટે શક્ય તમામ કોશિશ કરજો.
પતિને સહાયરૂપ થવા પતિના કામમાં રસ લેજો અને સમજણ કેળવજો .
આર્થિક ભીંસ હોય ત્યારે પણ હિંમતપૂર્વક સ્મિતભર્યા ચહેરા સાથે પતિની ભૂલ કાઢ્યા વિના ઘર ચાલવી જાણજો. તો, તમારો ઉભયપ્રેમ ઉતરોત્તર વધતો જશે.
તમે જો તમારી ક્ષતિઓ, ઉણપો, અપૂર્ણતાઓની બાબતમાં સજાગ અને નિખાલસ હશો તો દામ્પત્યજીવનમાં એકબીજાને અનુકૂળ થવાના માર્ગો શોધી વિકસાવી શકશો.
વાસ્તવિકતાના સ્વીકાર પર રચાયેલું દામ્પત્યજીવન જ સફળ બની શકે છે.
ઘણી વાર દામ્પત્યજીવનની જવાબદારીઓનો પડકાર ઘણી એવી અપ્રગટ શક્તિઓને વિકસાવી શકે છે.
પત્ની એટલે આત્મવિસર્જનની આભા, પવિત્રતાની પ્રતિમા. એનું જીવન ગૃહકાર્યમગ્ન હોય અને એનું હૃદય પતિના સુખે સુખી થવામાં રાચતું હોય. જીવન-વિગ્રાહથી થાકેલા પતિને સ્નેહ્ફૂલડે ઉલ્લાસિત કરવામજ એની કૃકૃત્યતા હોય. પોતાના નિરાળા વ્યક્તિત્ત્વને સ્વામીમાં લુપ્ત કરી તેની છત્રછાયામાં રહેનાર સેવિકાના ગુણધર્મોનું સતી સીતા સમું પાલન એની રગેરગમાં વ્યાપ્યું હોય. આવી ગૃહિણી ચોક્કસ સંસારમાં સ્વર્ગ ઉતારી શકે.
તમારી પત્નીની વર્ષગાંઠ કે તમારી લગ્નતિથીને દિવસે પત્નીને ઉચિત ભેટ આપતા રહેજો. તેના સદગુણો શોધતા રહી તેની કદર કરતા રહેજો. અન્યોની હાજરીમાં તેનો દોષ કાઢી ઉતારી પડવાનું ગાંડપણ ક્યારેય ના કરશો. તેના થાક, ક્રોધ કે કંટાળાના સમયે મદદ કરતા રહેજો.
લગ્ન થયા પછી પતિ પત્ની અદ્વૈત સિદ્ધ કરે તો ગૃહસ્થાશ્રમ સુખમય થાય છે. જ્યાં ભેદ છે ત્યાં જ દુખ છે. પતિ પત્નીનો સ્વભાવ એક ના થાય ત્યાં સુધી લગ્નજીવન સફળ થતું નથી.
તન બે પણ મન એક --એનું નામ લગ્ન. પતિપત્ની તનથી બે હોવા છતાં, તેમન સ્વભાવ અને મન એક થાય તો જ સુખ મળે છે.
પતિપત્નીના લક્ષ્ય અલગ હોય તો મતભેદ થાય છે. મતભેદથી મનભેદ થાય છે. મનભેદથી ઝગડા થાય છે અને ઝગડાથી અશાંતિ થાય છે, ભય થાય છે.
પતિપત્ની એકમેકને ઉજાસ આપે એના જેવો ઉજાસ બીજે ક્યાય નથી.
લગ્ન તો જીવનવિકાસની અને જીવનઘડતરની મોટામાં મોટી પાઠશાળા છે.
દામ્પત્યજીવનમાં એકમેકેન હૂંફ, સહાનુભૂતિ અને પ્રેરણા આપતા રહેજો...તો એકમેકના સહારે જીવનસંગ્રામમાં અદભૂત વિજય મેળવી શકશો.
એકમેકના સહારે બળ, ધીરજ અને સેવાભાવ કેળવતા રહીને ગૃહજીવન મધુર, પ્રસન્ન અને પ્રેરણાભર્યું બનાવી દેજો.
પતિપત્નીના હૃદયની સદભાવનામાંથી જ સંસારનું સ્વર્ગ પ્રગટે છે.
સંપાદન:ભાર્ગવ અધ્યારુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો