સોમવાર, માર્ચ 12, 2012

વેટરની કથા, વ્યથા અને વસિયત

મારું નામ - હલ્દીજી  ધાણાજી પરપોટા 
બાપનું નામ- ધાણાજી  નીમક્જી  પરપોટા 
વતન- ડુંગરપુર 
હાલની ઉમર - લગભગ સાઈઠ


નામને સાર્થક કરે એવો અમારો ડુંગરાળ પરદેશ. ખેતીવાડી, ધંધા- વેપારના નામે મીંડું. અમે બધા રામભરોસે પેદા થયેલા અને રામભરોસે જીવન જીવવાવાળા એટલે ગૃહિણીઓ અમને લાડથી "રામલા" જ કહે. પણ આ રામલા શબ્દની મને ખૂબ જ એલર્જી  કારણકે તેમાંથી 'ગેય' ની બદબૂ આવતી.


 એટલે, મારા બાપુએ, રાયપુર દરવાજા બહાર "જય-વીરુ ટી સ્ટોલ " પર નોકરીએ મૂકી દીધો.ચડ્ડી અને ગંજી પહેરી આસપાસની દુકાનોમાં ચાની કીટલી અને એંઠા અને ગંદા કપરકાબી ખખડાવતા લોકોને ચા પાવા જવાનું.પગાર રોજના પાંચ રૂપિયા અને ચા મફત. આ મફતની ચાના કારણે હું ચાનો ગારાડી બની ગયો અને ભૂખ મરી ગઈ. જે  રોજી મળે તેમાંથી ક્યારેક રાયપુર ભજીયા હાઉસના તીખા તમતમતા ભજીયા ખાઈ રાત્રે લારી ઉપર જ સૂઈ જતો. જો કે એ ભજીયા મને હરસ મસા ની ભેટ આપી. આજની આ મારી નર્તકી જેવી ચાલ તેની જ દેન છે.


એક મારવાડી શેઠ જેમને હું રોજ ચા પાવા જતો તેમની સીફારસથી મને આનંદ હોટલમાં વેટરની નોકરી મળી. મને મારી કરિયરનો પહેલો જમ્પ મળ્યો. ચડ્ડી-ગન્જીનું સ્થાન બ્લેક પેન્ટ અને સફેદ ખમીસે લીધું. મારું પેકેજ બે વખત ખાવા પીવાનું , હોટલમાં રહેવાનું  અને મહિનાનો ત્રણસો રૂપિયા પગાર. ભજીયાનો સ્વાદ લેવા રાયપુર તો જતોજ અને દેસી દારૂની પોટલી પણ ઠોકતો આવતો. મારા બાપુની ગાડી નેરો ગેજમાં જ રહી અને હું બ્રોડ ગેજ વાયા મીટર ગેજ  ચઢી ગયો. કરિયરની સીડીના પગથીયા હું સડસડાટ ચઢતો જ ગયો. હાઇવેની કેટલીય સર્વોત્તમ, સર્વોદય, ભાગ્યોદય, નવજીવન એવા હિંદુ નામ ધરાવતી મુસ્લિમ માલિકોની  હોટલોમાં નોકરી કરતા કરતા  જિંદગીના અનેક પહેલું અહી જોવા મળ્યા.ટ્રક ડ્રાયવર થી લઈને ધનવાન નાબીરોના અનેક ખેલ જોયા.


અરે! આ બધી મથામણ માં  એક વાત કહેવાની તો ભૂલી જ  જવાઈ. એક અખાત્રીજના દિવસે મારા લગ્ન કચોરીના લીલવા જેવી લલી સાથે થઇ ગયા.જેના ફળસ્વરૂપે બે દીકરા નામે હલવો અને હાંડવો તથા દીકરી નામે ખમણી પ્રાપ્ત થયા. ખમણી ના ખમણ  સાથે બાળલગ્ન  કરી નાખ્યા અને  તેને  પાપડી  નામની દીકરી પણ છે. 


ફરી વાતને મૂળ મેનુ પર લાવીએ. મારા અનુભવોના આધારે મને અમદાવાદની  અનેક હોરેલોમાં કામ કરતા કરતા બઢતી મળતી જ  ગઈ. છોકરાઓને ભણાવવા, ગણાવવા અને પરણાવવાની જવાબદારીઓ  પણ નિભાવી.


હવે, મારા અનુભવોનો નિચોડ કહું. ઘણી બધી હોટેલો જે કોમ્પ્લેક્ષ્ માં હોય છે તેને ફરતા ડોક્ટરો ના  દવાખાનાઓ તેજ કોમ્પ્લેક્ષ્ માં હોય છે. "હોમ ટુ હોટેલ અને હોટેલ ટુ  હોસ્પિટલ " એ ઉક્તિ મારા  મગજમાં  બરાબર ઠસી ગઈ છે. ડોક્ટર આંગળીકુમાર છીદ્રકર સુત્રવાળા (PILES  SPECIALIST ) સમગ્ર  હોટેલ ઉદ્યોગના ઋણી છે. ઘણી હોટેલોના SLEEPING  PARTNER  ડોકટરો છે જેના કારણે  તેમના દવાખાનામાં પેશન્ટો સૂતા છે.


 કેટલીક હોટેલોમાં બ્રાઉન અને રેડ ગ્રેવીના બે તપેલા  રાખેલા હોય  છે. ગ્રાહકોએ ખાધા પછી  જે બચે તે ગ્રેવી જે તે તપેલામાં   રીસાઇકલ થતી હોય છે. શહેરની  હોલસેલ  શાક માર્કેટનું  સડવાની રાહ જોતું શાક એ અમારા રસોડાની શોભા. ઢોસા,ઈડલી વિગેરેના ખીરા ગટરમાં રાખીએ જેથી આથો જલ્દી આવે અને અનોખી સોડમ પ્રાપ્ત થાય. રસોડામાં આટો ગુતાદો જુઓ તો નાન, પરોઠા અને રોટી થી  વૈરાગ્ય  આવી જાય. RO ના નામે સાબરકોલા જ પાયું છે. બટર અને ઘીના  બદલે ટેલો પણ વપરાતું જોયું છે, કારણકે શુદ્ધ ઘીના ડબ્બા તો  હેલ્થ ખાતાના અધિકારીઓને ત્યાં પહોચી જતા. કેમિકલ અને  રંગથી ચમકાવેલા  મસાલા  હોટેલોની વાનગીઓને ચમકાવતા. મારા સાથીઓએ  ચાઇનીઝ  હોટેલની ખાદ્ય સામગ્રી  અંગે જે નોલેજ  શેર કર્યું છે તે તો રુંવાડા ઊભા કરી દે તેવું છે. હવે ઝાઝી પોલ ખોલવા જેવું નથી. 


આ ક્ષણભંગુર દેહનો કોઈ જ ભરોસો નથી. જંક ફૂડ, તીસ નંબર બીડી અને  દારૂની પોટલીથી આ કાયા કસમયે  પેથોલોજીનું  મ્યુઝીયમ બની ગઈ છે. મારી પાસે કોઈને ખાસ કઈ આપવા જેવું નથી પણ લોકલાજે વસિયત કરી રહ્યો છું. યુનિફોર્મના કોટ મારા દીકરા હલવાને આપજો  કારણકે  ગાગડું જેવા અવિકસિત હાંડવાને તે રેઇન કોટા જેવા લાગશે. અલગ અલગ હોટેલની ક્રોકરી પર ફક્ત અને ફક્ત  લલીનો  જ  અધિકાર રહેશે. મેં જે ગેરકાયદેસર ત્રણ ખોલી વસાવી છે તે મારા ત્રણ સંતાનોને લલીના મૃત્યુ બાદ જ મળશે. મને ટીપમાં મળેલા રૂપિયા જે મેં એક ગલ્લામાં ભેગા કર્યાં છે, તે મારી ઉત્તરક્રિયા માટે પૂરતા  છે.  મારી સરવણીમાં 'કોહિનૂર' બાસમતી ચોખાના જ  પિંડ બનાવજો. અને ચાંદીની છરી જે હું એક હોટેલમાંથી મારી લાવ્યો હતો તેના વડે જ પિંડ વહેરજો . દશમાંથી માંડી તેરમાં સુધી સગા-વ્હાલને  snacks, north indian, south indian અને લાડુ,વાલ, ફૂલવડી અને દાળ-ભાત જમાડજો. ચીનાઓનું જમણ ક્યારેય નહિ, જો એમ કરશો તો મારો આત્મા અવગતિને પામશે. જમણ બાદ દરેકને digene gel આપજો જેથી ખોરાકની કોઈ વિકલાં થાય નહિ.
"દિલકે અરમાન આસુઓમે  બહ ગયે". કાંદા સમારતાં આંસુઓ સાથે બધા જ અરમાન વહી ગયા છે. હાલ અંતિમક્રિયા વિદ્યુત ભટ્ટી , ગેસ ભટ્ટી થી થાય છે. આશા રાખું છું કે મારા સમયે આવી તંદૂર ભટ્ટી પણ બની ગઈ હોય. મરનેકે બાદ ભી હોટેલકા સાથ ન છૂટે!


મારી ભાષાશુદ્ધિ  અમદાવાદીઓના કારણે છે. અને અંગ્રેજી શબ્દો NRI ની દેન છે.


ઓમ શાંતિ!


                                                                                        ભાર્ગવ અધ્યારુ 









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો