શનિવાર, માર્ચ 03, 2012

કલિયુગનો કહેર



એક અતિ પ્રચલિત ઉક્તિ " કલિયુગ હજુ ભાખોડિયા ભરી રહ્યો છે." હવે સમય સાથે, તેની ઉમર જેમ જેમ વધતી જશે તેમ તેમ કેવો કાળો કેર વરતાવશે અને કકળાટ નો દાવાનળ સમાજને કેવો ભસ્મ કરશે તેનું નિરૂપણ કરવાની અહી ચેષ્ટા કરી છે.




જેમ જેમ કળિયુગ વધશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા આયુ, બળ અને સ્મરણશક્તિનો અભાવ વધતો જશે.કળિયુગમાં જેની પાસે ધન હશે, એને જ લોકો સારા કુળવાળા, સદાચારી અને સદગુણી માનશે. જેના હાથમાં શક્તિ હશે એ ધર્મ અને ન્યાયની વ્યવસ્થાને પોતાની ગુલામ બનાવી દેશે.કલિયુગમાં ધન પર જ મનુષ્યોનાં જન્મ, આચાર તથા ગુણો નિર્ભર રહેશે, બાહુબળ જ ધર્મ, ન્યાય અને નીતિનો નિર્ણય કરશે.


સ્ત્રી તેમજ પુરુષના વિવાહ એકબીજાના આકર્ષણને કારણે જ થશે. એમાં કુળ, ગોત્ર, શીલ, શિક્ષણ, વ્યવહાર વગેરેનો કોઈ પ્રભાવ નહિ રહે.લગ્ન માટે કુળ, ચરિત્ર અને યોગ્યતા આદિ જોવામાં નહિ આવે, છોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચી થી જ લગ્ન કરી લેશે. "ડેડા હું જરાક પરણીને આવ્યો." એવા ફિલ્મી ડાયલોગ સાંભળવા સહજ થઇ જશે.સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ ન રહેતા કેવળ કામક્રીડા (રતિકૌશલ) બની રહેશે.લગ્ન માટે એકબીજાની સંમતિ પર્યાપ્ત રહેશે. શાસ્ત્રવિધિ–વિધાન, સંસ્કાર આદિની નનામી નીકળી ચૂકી હશે. વાળ ઓળી લેવા અને સારાં કપડાં પહેરીને તૈયાર થઈ જવું એને જ લોકો સ્નાન થઈ ગયું સમજશે. બાકી બીકીની સાથેનું સૂર્ય સ્નાન દરિયા કિનારે કરવા લોકો ગોવા અને કેરળના કોવાલમ બીચ સુધી લાંબા થશે. પોતાની ઔલાદ જાઈજ છે કે નાજઈજ એવી શંકા ઉદભવતા DNA TEST ફરજીયાત બની જશે.




વ્યવહારમાં લોકો સચ્ચાઈ અને ઈમાનદારીથી નહીં વર્તે. જેને જેટલું છલ-કપટ કરતાં આવડશે, એને લોકો એટલો વધારે હોંશિયાર ગણશે.ઉપરાંત પોતાના બચાવમાં શ્રીમદ ભગવત ગીતાના શ્લોક નો રેફરેન્સ આપશે " છલાનામ દ્યુતોસમી."લેવડદેવડના વેપારમાં પ્રપંચ જ મુખ્ય રહેશે.




કેવળ માત્ર જનોઈ પહેરવાથી જ બ્રાહ્મણ રૂપે પરિચિત થશે. ઘણું બોલવું તે જ પંડિતાઈ ગણાશે. દંભ જ સજ્જનપણાનું લક્ષણ ગણાશે. નામ-યશ માટે ધર્મનું આચરણ કરવામાં આવશે.

વસ્ત્ર, લાકડી, કમંડળ – જેવા બાહ્ય દેખાવ બધા બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ બની રહેશે. એકબીજાના વેશ અને ચિન્હો બદલવાથી એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જોડાવાની લાયકાત બની રહેશે. જે લાંચ આપવામાં કે પૈસાખવડાવવામાં અસમર્થ હશે એને કોર્ટ (અદાલત) તરફથી બરાબર ન્યાય નહીં મળે. જે બોલવા-ચાલવામાં જેટલો પાવરધો અને ચાલક હશે એને લોકો એટલો મોટો પંડિત માનશે.


કળિયુગમાં ગરીબ હોવું એ જ મોટો દોષ ગણાશે. જે જેટલો દંભ-દેખાડો અને પાખંડ કરી શકશે એને લોકો એટલો વિદ્વાન સમજશે.લોકો દૂરના તળાવને પણ તીર્થ માનશે પરંતુ નજીકના તીર્થ જે ગંગા-ગોમતી અને માતા-પિતા (માતા-પિતા તીર્થ સમાન છે.) એની લોકો ઉપેક્ષા કરશે.
વાદળોમા વીજળીઓ તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે."दामिनी दमक रही घन माहि, खलकी प्रीत जथा थिर नहीं." રામચરિત માનસ.


લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદધ્વનિ વગરના હોવા કારણે શ્માંશાનવત, સૂના-સૂના અને ભેંકાર થઈ જશે.


કળિયુગનો અંત આવતા સુધીમાં મનુષ્યોનો સ્વભાવ ગધેડા જેવો દુ:સહ્ય બની જશે, લોકો માંડ-માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે અને વિષયી (ભોગી) બની જશે.


કળિયુગમાં ધર્મના ચારેય ચરણો સત્ય, દયા, તપ અને દાન નષ્ટ થઈ જશે અને એના બદલે અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ ની બોલબાલા રહેશે.


સંન્યાસી ધનના અત્યંત લોભને વશ આશ્રમ,મઠ અને મંદિરને દુકાન બનાવી દેશે અને તેમની કામલીલાઓ અખબારના હેડિંગમાં છપાશે.


વેપારીઓનું હ્રદય એકદમ ક્ષુદ્ર બની જશે. એ કોડી-કોડી માટે (પૈસે-પૈસા માટે) લોકો સાથે છલ કરશે. ધન માટે પોતાની બેન અને બૈરીની પણ બોલી લગાવશે.

મિત્રતા અને સદભાવના દફન થઇ જશે. દરેક વાતે પરસ્પર વિરોધ અને ક્રોધ અતિ સામાન્ય બની જશે. ક્ષુલ્લક કારણ સર હત્યા સુધી મામલો પહોચી જશે.




વધુને વધુ નટીઓ ક્રિકેટ ટીમો ખરીદશે અને આપણા કહેવાતા જાંબાઝ અને મર્દ ખેલાડીઓની વેશ્યાની જેમ જ હરાજી કરશે. બીકાઉ ક્રિકેટરો પોતાનું ખમીર અને ખાનદાની ગુમાવી વેહલા વૃદ્ધ થઇ જશે.




અને ....યમનો ભય લોકો હજમ કરી જશે. જોકે મહદ અંશે આજેય એવું તો છે જ!




તો પ્રભુ "संभवामि युगे युगे" નો વાયદો પાળવા ક્યારે પૃથ્વી પર પધારો છો?




ભાર્ગવ અધ્યારુ

+91-9825038089





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો