રવિવાર, માર્ચ 18, 2012

શત્રુ સાથે કેવો વ્યવહાર કરવો?

કોઈ વ્યક્તિ એવો દાવો કરતી હોય કે તે અજાતશત્રુ છે, તો તે ભ્રમમાં રાચે છે.  હાલના સંસારમાં ડગલે ને પગલે શત્રુઓ ભટકાઈ જ જાય છે. ધંધા વેપારમાં હરિફાઈનું સ્થાન શત્રુતાએ  લીધું છે. સંસારીઓની  વાત તો ઠીક પણ ભગવા વસ્ત્રધારીઓ પણ બાકાત નથી.
"ક્ષમા વીરસ્ય ભુશ્નમ " ને  નપુંસકતાનો  પર્યાય માનવામાં આવે છે.  હાલના સમયે તો "રોગ અને શત્રુને ઉગતા મારો' એ ઉક્તિ જ યથાર્થ છે. નહિતો , એ તમને મારી નાખશે.


ધ્રુતરાષ્ટ્ર , યુંધિસ્થીરનો યુવરાજ પદે અભિષેક કરે છે. ત્યારબાદ પાંડવોના  શીલ, સદાચાર અને ખ્યાતિ સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. ત્યારે ધ્રુતરાષ્ટ્ર  Hypertension અને  Hyperacidity  ના  પેશન્ટ બની જાય છે. જયારે ગભરામણ અને અકળામણ અસહ્ય થઇ જાય છે ત્યારે ધ્રુતરાષ્ટ્ર , એમના લોર્ડ કીસીન્જેર  સમાન રાજનીતીવિશારદ કનિક ને  બોલાવી પોતાનો બળાપો ઠાલવી તેમની સલાહ માંગે  છે.  કનિક ત્યારે ધ્રુતરાષ્ટ્રને સંબોધીને કહે છે:


"રાજાએ હમેશા દંડ દેવા તૈયાર રહેવું જોઈએ અને ભાગ્યના ભરોસે ન રહેતા પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનામાં કોઈ કમજોરી આવવા ન દેવી અને હોય તો ખબર પડવા ન દેવી. બીજાની કમજોરી જાણતા રહેવું. જો શત્રુનું અનિષ્ટ પ્રારંભ થઇ જાય તો તેને વચ્ચેથી અટકાવવું નહિ.  શત્રુને કમજોર સમજી આંખો બંધ કરી દેવી ન જોઈએ. પરંતુ હંમેશા સાવધાન રહેવું."


"શરણાગત શત્રુ પર પણ દયા દાખવવી ન જોઈએ. શત્રુના મંત્ર, બળ, ઉત્સાહ , સહાય, સહાયક, સાધન, ઉપાય, દેશ, કાલ, સામ, દામ, દંડ, ભેદ, માયા, ઇન્દ્ર્જાલના પ્રોયોગો અને ગુપ્ત કાર્યો  રાજ્યના  અંગોને નષ્ટ કરતા રહે છે. જ્યાં સુધી સમય અનુકૂળ ન હોય ત્યાં સુધી શત્રુને ખભા પર બેસાડીને પણ ફેરવી શકાય, પરંતુ પરિસ્થિતિ બદલાતા માટલાની જેમ પટકીને તેને નષ્ટ કરી દેવો જોઈએ. સામ, દામ, દંડ, ભેદ વગેરે કોઈ પણ ઉપાયે પોતાના શત્રુને નષ્ટ કરી દેવો એ જ  રાજનીતિનો  મૂળ મંત્ર છે."


"ચતુર રાજાએ ભીરુને  ભયભીત કરી દેવો, શૂરવીરને હાથ જોડી લેવા, લોભીને કંઈક આપી દેવું અને સમોવાડીયાને તથા નબળાને પરાક્રમ બતાવી વશમાં કરી લેવા.  શત્રુ ચાહે કોઈપણ  હોય, તેને મારી નાખવો જોઈએ. સોગંદ ખાઈને, ધનની લાલચ આપીને , ઝેર આપીને અથવા દગાથી પણ શત્રુને ખતમ કરી દેવો જોઈએ. "


"મનમાં દ્વેષ હોવા છતાં શત્રુ સાથે હસીને વાત કરવી. મારવાની ઈચ્છા રાખીને અને મોતને ઘાટ ઉતારતાં પણ મીઠું જ બોલવું. મારીને કૃપા દર્શાવવી, અફસોસ વ્યક્ત કરવો અને રુદન પણ કરવું. શત્રુની ભૂલ જોતા જ તેની પર ચડી બેસવું. કોઈના પર વિશ્વાસ ન રાખવો.  ભયંકર કામ કરતા પણ વાણીનો વિનય જાળવવો  અને હસીને બોલવું.  પોતાની વાત કેવળ શત્રુથી નહિ પણ મિત્રથી પણ છૂપાવવી.  કોઈને આશા આપવી હોય તો પણ લાંબા ગાળાની આપવી અને પછી વચ્ચે અડચણ ઊભી કરી દેવી. બસ , પછી કારણ પર કારણ ઊભું થતું જાય."


"આ જ બધા ઐશ્વર્યપ્રાપ્તિ ના ઉપાયો છે. આનાથી વધારે હું શું કહું?"


કનિક આ પ્રમાણેની સલાહ આપીને ચાલી  ગયો અને ધ્રુતરાષ્ટ્રની  નિંદ્રા હરામ કરતો ગયો.


કનિકની સલાહ એ દવાનો Heavy Dose છે, જેની Side Effects ડોઝ આપનાર માટે પણ Fatal નીવડી શકે છે.


                                                                                         ભાર્ગવ અધ્યારુ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો