સોમવાર, માર્ચ 05, 2012

પ્રહલાદ્જીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ

                                    હોળીના હહેવારમાં ભક્ત પ્રહલાદ કેન્ર્સ્થાને છે.


                                   પ્રહલાદના પિતા હિરણ્યકશિપુંના વધ માટે ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું  હતું. હિરણ્યકશિપું ના વધ બાદ ભગવાનનું આ રૂપ અત્યંત વિકરાળ અને ભયંકર લાગતું હતું. દેવો, ગાંધર્વો, ઋષિઓ, કિન્નરો ઈત્યાદિ સર્વે એ  ભગવાનને શાંત પાડવા અને મૂળ સ્વરૂપે દર્શન આપવા ઘણી સ્તુતિ કરી પરંતુ નરસિંહ ભગવાનના ક્રોધાવેશને ન તો શાંત કરી શકયા કે ન તો તેમની પાસે જઈ શક્યા. તે સમયે બ્રહ્માજીના આગ્રહથી પ્રહલાદે નરસિંહ ભગવાનની સ્તુતિ કરી જે અહી સંક્ષ્પિત રૂપે પ્રસ્તુત છે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરતાં કહે છે-


                                   " હું સમજું છું કે ધન, કુલીનતા, રૂપ, તપ, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરુષ, જ્ઞાન અને યોગ-આ બધા જ ગુણ પરમપુરુષ ભગવાનને સંતુષ્ટ કરવાને  સમર્થ નથી. પરંતુ ભક્તિ આપને અત્યંત પ્રિય છે."


                                   " ભગવાન કરુનાવાશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડે કરાયેલી પૂજા સ્વીકારી લે છે. જે ભક્ત ભગવાન પ્રત્યે સમ્માન વ્યક્ત કરે છે તે સ્વયમ સમ્માનિત થાય છે. આપની મહિમાના ગાનનો જ એવો પ્રભાવ છે  કે અવિદ્યાને લીધે સંસારના ચકરાવામાં પડેલો જીવ તત્કાલ  પવિત્ર થઇ જાય છે."


                                  "જે  અસુરને મારવા માટે આપે ક્રોધ કર્યો હતો તે તો હણાઈ ચૂક્યો છે. હવે આપ આપનો ક્રોધ શાંત કરો. જેમ ઉપદ્રવ કરનારા વીંછી  અને  સાપના મરવાથી સજ્જનો પણ આનંદિત જ  થાય છે તેવી જ રીતે આ દૈત્યનો સંહાર થવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે. હવે, બધા આપના શાંત સ્વરૂપને નીરખવા ઈચ્છે છે."


                                  " હું ઉગ્ર અને અસહ્ય સંસારચક્રમાં પીસાવાથી ભયભીત છું. હું પોતાના કર્મોના બંધનથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલો છું. હે મારા સ્વામી! આપ પ્રસન્ન થઈને મને ક્યારે  આપના ચરણકમળમાં બોલવી લેશો? કારણકે, આપના ચરણકમળ  સમસ્ત જીવોનું એક માત્ર શરણ અને મોક્ષ - સ્વરૂપ છે."


                                   " હે પ્રભુ! આપ અમારા પ્રિય અને આરાધ્ય છો. સંસારના દુઃખોને દૂર કરવાના અનેક ઉપાયો છે. પણ આપના દ્વારા ઉપેક્ષિત જીવોને તે ઉપાયો સુખી કરી શકતા નથી. સંસારના વિઘ્નો આપના ભક્તનું કંઈ બગાડી શકતા નથી.  આ સમગ્ર  વિશ્વ આપનું જ  સ્વરૂપ છે. આ વિશ્વના પ્રેરક પણ આપ જ છો. મન, દશ ઇન્દ્રિયો અને પાંચ તન્માત્રાઓ - આ સોળ આરાવાળા સંસારચક્રમાં  પીલાવાથી આપ  મને બચાવી લો. હું આપના શરણે આવ્યો છું."


                                  " બ્રહ્મલોક પર્યંતના આયુષ્ય, લક્ષ્મી, ઐશ્વર્ય અને ઇન્દ્રિયભોગોની હું ઈચ્છા રાખતો નથી. વિષય ભોગો મૃગજળ જેવા તદ્દન મિથ્યા છે. આ શરીર જેનાથી ભોગો ભોગવવામાં આવે છે તે પણ અગણિત રોગોનું ઉદગમસ્થાન છે. આપ સૌના આત્મા અને અકારણ પ્રેમી છો. કલ્પવૃક્ષ સમાન આપનો કૃપાપ્રસાદ  પણ સેવા - ભક્તિથી  જ  પ્રાપ્ત થાય છે."


                                  આ પ્રમાણે ભક્ત પ્રહલાદે ઘણા પ્રમથી પ્રકૃતિ અને પ્રાકૃત ગુણોથી  રહિત ભગવાનના સ્વરૂપભૂત ગુણોનું વર્ણન કર્યું  અને ત્યારબાદ તેઓ ભગવાનના ચરણોમાં માથું  નમાવીને ચૂપ થઇ ગયા. નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો અને પ્રહલાદને " તારું કલ્યાણ થાવ" એવું વરદાન આપ્યું.


                                                                                         ભાર્ગવ અધ્યારુ.


સંદર્ભ: અધ્યાય ૯, સ્કંદ ૭. શ્રીમદ ભાગવત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો