શુક્રવાર, માર્ચ 09, 2012

ખાડિયાનું ખમીર--એન્જીનીયર શ્રી હિંમતલાલ ભચેચ


સાબરમતીના એલિસ’ પુલને સો વર્ષ પૂરાં થયાં ત્યારે વહીવટકારોએ ખ્યાતનામ ઇજનેરોની એક ટીમને પુલની મજબૂતાઇને ચકાસવાતપાસવા આદેશ કર્યો. આમ લોકો પુલની ક્ષમતાને તલેતલ તપાસીને ખાતરી કરો કે એ કેટલો નબળો પડ્યો છે. સો વરસે તો ભલભલાં બાંધકામો ખખડી જતાં હોય છે. એલિસબ્રિજ’ તો લાખો રાહદારીઓનો રાત-દિવસનો રસ્તો છે.
અને નિષ્ણાતોએ શતાયુ એલિસને રિમાન્ડ’ પર લીધો. આજુબાજુઉપર-નીચેદૂરબીનો લગાવીને બાંધકામનો કાંકરે કાંકરો તપાસ્યો. હથોડા મારીને ધબધબાવ્યો પણ કાંકરી ખરી નહીં. દૂધમલિયા જુવાન ગોવાળ જેવો નરવો નકોર એલિસ’ લોંઠકાઇનાં લોકગીત ગાતો બેય કાંઠાને રણકાવતો અડીખમ ઊભો હતો.


એલિસબ્રીજ’ પૂરો સક્ષમ અને અડોલ છે.’ કમિટીએ રિપોર્ટ આપ્યો. એની કાંકરી ખરે એમ નથી.


મારા બાંધકામના પુલની પોપડી ખરે તો હું હિંમતલાલ ધીરજરામ ઇજનેર શાનો! પુલની કાંકરી ખરે તો હું તો મારી ઇજનેરી વિદ્યાનાં પોટલાં સાબરમતીની રેતીમાં દાટી દઉ’ પુલના ઇજનેર હિંમતલાલ ભચેચ છાતી તાણીને બોલતા સંભળાય છે. હું નાગર બચ્ચો છું અને અમદાવાદના ખાડિયાના પાણીની ગળથૂથી પીધી છે.
ગોરી સરકારનાં સેંકડો બાંધકામો સર્જીને ગોરાઓનાં માન-સન્માન અને ચંદ્રકોનાં ઝળાહળાં ઉજાસ વચ્ચેયશકીર્તિના વિમાને ચડીને ૧૯૨૨ની ૩૦મી સપ્ટેમ્બરે સ્વર્ગે સિધાવેલા હિંમતલાલ ભચેચ સાબરના કિનારે ઊભા ઊભા બોલતા હતા. એક સદી પૂર્વેઅંગ્રેજ હકૂમતના વહીવટી અમલદારોએ સાબરમતી પરના પુલના નિર્માણ માટે હિંમતલાલને પસંદ કરવાનું વિચાર્યું હતું.
છતાં હિંમતલાલ દેશી’ ઇજનેર હતા એટલે અંગ્રેજો એને વારંવાર ચેતવતા હતા. મિ.ભચેચ! તમે ખ્યાતનામ ઇજનેર છો એ વાત સાચી પણ આ પુલ આખા ગુજરાતમાં મોટામાં મોટો છે અને પ્રથમવારનો છે. પ્રજાની સલામતી પ્રથમ જોઇએ. વત્તા આયોજન બ્રિટિશ હકૂમતનું છે. પુલના નિર્માણ માટેનો સાડા ચાર લાખનો આંકડો પણ નાનોસૂનો નથી.


મેં દરેક બાબત સમજી લીધી છે. પુલ તૈયાર થાય પછીઆકરામાં આકરી કસોટી કરવાની છૂટ છે.


હિંમતલાલ ઇજનેરના બાંધકામમાં ખામી ન હોય.’ બ્રિટિશ અમલદાર કર્નલ માઇન્સેલ’ અમદાવાદના ગોરા વહીવટકારોને મુંબઇથી ભલામણ કરતા હતા. હિંમતલાલ પાસે કુશળતા અને કરકસર બંને છે.’ આમ છતાં અમદાવાદના અમલદારો હિંમતલાલની તાવણી કરતા હતા:


મિ.ભચેચ! તમારી પ્રામાણિકતા અને કુશળતા માટે અમને માન છેપણ અમદાવાદ જેવી વિશાળ નગરીના બે છેડા સાબરમતી જેવી ધોધમાર નદી પર સાંધવાના છે માટે વિચાર તો કરવો પડે તમારે.


હું વિચાર કરીને જ બોલ્યો છું સાહેબ! ’ ‘વેલ! બાંધકામમાં થાય એટલી કરકસર પણ કરવાની છે.


આપ સાહેબોનો અંદાજિત આંકડો?’


સાડા ચાર લાખનો. કદાચ પાંચ પચ્ચીસ હજાર ઓછાવત્તા. પણ એથી આગળ એક પાઇ પણ નહીં.


ભલે સાહેબ! હું આવતી કાલે જવાબ આપું તો ચાલે?’ હિંમતલાલે મુદત માગી.


હા ચાલે.’ ગોરાઓ સંમત થયા અને એ જ વખતે હિંમતલાલ ઇજનેર અંગ્રેજ કચેરીએથી નીકળીને સાબરમતીના કિનારે આવીને ઊભા રહ્યા. છટકી ગયા મહાશય.
હિંદુવાસીઓ તરફ પૂર્વગ્રહ અને તુચ્છતાનો ભાવ રાખતા બે-ચાર ગોરાઓએ ખિલ્લી ઉડાડી. હિંમતલાલ જેવા દેશીઓનાં ગજાં નથી..! સાબરમતીનો આલીશાન પુલ બાંધવો રમતવાત નથી.


એમ ન માનો. હિંમતલાલને ઓછે આંકે ન મપાય. એ કુશળ અને કુશાગ્ર બુદ્ધિ છે. આપણો માઇન્સેલ એમને મહત્વ આપે છે. અંગ્રેજ ઇજનેરો કરતાં હિંમતલાલ વેંત વધે એવા આવડતદાર છે. ખેડા અને પંચમહાલ જેવી વિકટ ભૂગોળના રસ્તાઓ અને સંખ્યાબંધ સરકારી ઇમારતો બાંધીને એમણે માઇન્સેલ’ જેવા અમલદારનો રાજીપો મેળવ્યો છે. માઇન્સેલ કહે છે કે ગુજરાતનાં એનાં બાંધકામોનો આખા દેશમાં જોટો નથી.
હિંમતલાલની નિમણૂક થઇ. બાંધકામનો બાજંદો માણસ વળતા દિવસે છલકતા આત્મવિશ્વાસે કામે ચડ્યો. બાળપણના ધૂધવાટે ભાંખોડિયાભેર ચાલનાર બાળક હિંમતપિતા ધીરજરામની આંગળીએ વળગીને પોળ ભમવાની બાલેરછાને પૂરી કરે એ પૂર્વે પિતા સ્વર્ગે સિધાવી ગયા.
બે વરસના બાળકની જનેતાએ તે દી’ પોળનાં ઝાડવાં રોપાડાવ્યાં હતાં. પણ આખરે ડાહી નાગરાણીએ આફતને કોઠે નાખી. પુત્રના ઉછેર માટે માએ વાસણ-કપડાંની મજૂરી કરીને પુત્રને ભણાવ્યો. પોળમાં નાગરોની બહોળી જ્ઞાતિએ પણ હૂંફ આપી. હિંમતલાલનું ઇજનેરી ભણતર પૂરું થયું કે અંગ્રેજ સરકારે એને ઓવરસિયરની જગ્યા આપી.
હિંમતલાલે અથાક મહેનતપ્રામાણિકતા અને સાદગીથી ઊચાઇનાં પગથિયાં ચડવા શરૂ કર્યાં. છેવટે સાબરમતીના વિશાળ પુલનો એ નિર્માતા બન્યો. ઇજનેર હિંમતલાલે નદીમાં જ ટેન્ટ’ બનાવીને રાત-દિવસ નિવાસ કર્યો. ગોરી સરકારનો માનીતો ઇજનેર હાથે રસોઇ બનાવે અને વાસણ-કપડાં પણ હાથે ધુએ.
હર પળે એની સતત હાજરી. રૂપિયો ખર્ચીને સવા રૂપિયાનું કામ થાય એ એની નિયત. આખરે પુલ પૂરો થયો. તે સમયના અંગ્રેજ કમિશનર સર બરો હબૈટ એલિસના નામથી પુલને એલિસબ્રિજ’ નામ આપ્યું. પુલના ખર્ચના આંકડા રજૂ થયા. હિંમતલાલ ઇજનેરે સાડા ચાર લાખના બજેટ સામે માત્ર અઢી લાખમાં એલિસબ્રિજ બાંધી આપ્યો.
હિંમતલાલની કુશળતા અને પ્રામાણિકતાની ચારેકોર ઝાલરો વાગી ગઇ! મુંબઇ સરકારે હિંમતલાલને માનપાનથી રોકી લીધા. હિંમતલાલે મુંબઇ સરકારના બાંધકામ ખાતાના સચિવ ટી.ડી. લિટલના હાથ નીચે વીસ વર્ષ કામ કર્યું.
એમના બાંધકામની ચીવટનિષ્ઠા અને આગવી દ્દષ્ટિથી હકૂમત પ્રભાવિત થઇ અને ભારતના તે વખતના વાઇસરોય ગવર્નર જનરલે ૩જી જૂન ૧૮૯૩માં હિંમતલાલ ધીરજરામ ભચેચને રાવ બહાદુરનો ઇલકાબ આપીને દિલ્હી દરબારમાં તેમનું બહુમાન કર્યું. નિવૃત્ત થયા પછી હિંમતલાલને અમદાવાદ મ્યુનિ.માં પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા.
તેમના પ્રમુખપણા નીચે અમદાવાદની સુપ્રસદ્ધિ ઇમારતોનું નિર્માણ થયું. ગુજરાત કોલેજગુજરાત કલબશાહીબાગની કેટલીક સુંદર ઇમારતોકાલુપુર સ્ટેશન સામેની ભાઇશંકર ધર્મશાળા તેમની ઇજનેરી કુશળતાના ઉત્તમ નમૂના છે. રેલવે બોર્ડના ડાયરેક્ટર બનીને અમદાવાદ- ધોળકા રેલવે માર્ગ કંડાર્યો. બંગાળમાં પણ તેઓની કુશળતાનો લાભ અંગ્રેજોએ લીધો.
ખાડિયાના આ સપૂતે સંખ્યાબંધ માનસન્માનોચંદ્રકો અને યશકીર્તિના ઝળાહળા ઉજાસ વચ્ચે ૧૯૨૨ની ૩૦મી સપ્ટેમ્બરે ધરતી પરથી વિદાય લીધી. અમદાવાદી નગરી અને ખાડિયાની ધરતીના એ ટુકડાએ આંસુનાં તોરણ બાંઘ્યાં.

વિશેષ:
સમય જતાં એલિસબ્રીજની બંને બાજુ બે નવા પુલ નિર્માયા અને એની લોકાર્પણની વિધિ અડવાણીજીના હાથે રખાયેલી. અડવાણીજીએ માનભેર હિંમતલાલ ઇજનેરને યાદ કરીને ૧૯૯૫માં રાવ બહાદુર હિંમતલાલ ભચેચના નામની તકતી મુકાવી હતી.

                                                                       ભાર્ગવ અધ્યાર

સાભાર: શ્રી નાનાભાઈ જેબલિયા, તોરણ, ૨૭.૧૦.૨૦૦૯ 

1 ટિપ્પણી: