રવિવાર, જૂન 03, 2012

I.P.L. = ક્રિકેટનું બીકીનીકરણ



           પહેલાના સમયમાં હુસ્નની મંડીમાં રંડીઓની બોલી લગાવવામાં આવતી હતી. શ્યામ વર્ણવાળા ગુલામોની હરાજી કરવામાં આવતી હતી. ત્યારે ક્યાંક કોઈક મજબૂરી હતી, બળજબરી હતી.
તેમ છતાં ઘણી બધી આમ્રપાલી જેવી ગણિકાઓ અને ઈસપ જેવા ગુલામો એક મિસાલ છોડી ગયા.

           આજે ધનના ગુલામ ક્રિકેટરોની હરાજી થઇ રહી છે અને ક્યાય કોઈ મજબૂરી કે બળજબરી નથી પણ માત્ર ને માત્ર ધનલોલુપતા છે. એમણે પોતાની જાતને એક કોમોડીટી બનાવી દીધી છે. વેશ્યાઓ અને ગુલામો કમ સે કમ માલિકને વફાદાર હતા પણ ક્રિકેટરોનું સ્તર તો સાવ જ ખાડે ગયું છે. એક સીઝન રાજસ્થાન માટે રમતો ખેલાડી વધુ પૈસાની લાલચ અપાતા બેવફા બની કોલકત્તાનો બની જાય છે. “જાનવર આદમીસે જ્યાદા વફાદાર હૈ.” કૂતરા વફાદારીમાં મેદાન મારી જાય છે અને જાણે ક્રિકેટરોને બોધ આપવા ક્યારેક ક્યારેક મેદાન પર લટાર પણ મારી જાય છે. તેમને ભગાડે છે મેટલ ડિટેક્ટરવાળી પોલીસ કારણકે તેમને કોઈ આતંકવાદી તો ક્યારેય મળ્યો જ નથી.

           IPL-5 માટે ખેલાડીઓ ની હરાજી તારીખ ૦૪.૦૨.૨૦૧૨ નાં રોજ બેંગલુરું ની હોટલ the ITC Royal Gardenia,માં કરવામાં આવી. ૧૪૪ ખેલાડીઓ પર હથોડો પછાડવામાં આવ્યો. ઘણાં ખેલાડીઓએ રાજનેતાઓની જેમ પાટલી બદલી. નિષ્ઠાનાં નામનું સમૂળગું  નાહી નાખ્યું છે.
IPL -5 નો ઉદ્ ઘાટન સમારોહ તારીખ ત્રીજી એપ્રિલની સાંજે YMCAમાં શરુ થયો. પ્રારંભમાં
Big B એ શ્રી પ્રસૂન જોશી ની કવિતાનું પઠન કર્યું. એકમાત્ર સુખદ આંચકો!
બોલીવુડની નખરાળી, નટખટ, અર્ધનગ્ન નટીઓ અને બેશરમ ક્રિકેટરોનો સ્ટેજ શો લોકોએ હોંશેહોંશે માણ્યો. પ્રિયંકાએ ગાયું “ આજકી રાત હોના હૈ કયા....” અને ધોનીએ તેની સાથે ઠઠો- મશ્કરી કરી આવનારી પંચાવન રાતોમાં શું શું ઘટશે તેનો ઈરાદો ઈશારાથી દર્શાવી દીધો.

         ચોથી એપ્રિલથી માંડીને સત્યાવીસમી મે સુધી આ ફારસ ચાલ્યું. તે દરમ્યાન ૭૬ મેચો રમાઈ. જે પૈકીની ૬૫ મેચો day/night હતી.
રાત્રિ દરમ્યાન રમાતી મેચ માટે સતત ૧૮૦૦ કિલો વોટ વીજળી બળે છે. (ref:MCG). ૬૫ મેચો માટે હિસાબ ગણી કાઢો. અધધ.....! કોના બાપની દીવાળી ? પ્રજાના હૈયા બળે તેની કોને પડી છે ?

         ક્રિકેટરોએ તેમનું ઝમીર તો વેચી જ નાખ્યું છે હવે બદનના જુદા જુદા અંગોનો વારો છે. કયું અંગ કોને વેચ્યું છે એ તેમના સર્કસના ડ્રેસ પરથી જણાઈ આવે છે. Helmet પર જે તે ફ્રેન્ચાઇઝી નું લેબલ છે, એટલેકે માથું તો તેમણે તે ફ્રેન્ચાઇઝીના ચરણોમાં ધરી જ દીધું છે. છાતી ultratech cement ને વેચી છે તો પીઠ ACC cement ને. ડાબું બાવડું nokia નું છે તો જમણું Samsung નું. એક સાથળ બજાજના બાઈકની છે, તો બીજી હીરોના બાઈકની. વાજીકરણ એટલેકે કામોત્તેજક દવાઓ જેવી કે વાયગ્રા, પેનીગ્રા,કૌચાપાક બનાવતી કંપનીઓ જાહેરાત આપવા ખૂબ જ ફાંફા મારી રહી છે, પણ યોગ્ય સ્થાન નથી મળી રહ્યું માટે આવતી સિઝનથી ખેલાડીઓના પેન્ટને પોસ્ટ ઓફીસ જોવા મળે તો નવાઈ ના પામતા !

        દેશ વતી રમવાનું આવે ત્યારે ગૌતમ ગંભીર, ગંભીર રીતે બિમાર પડી જાય છે, સચિનને ટેનીસ એલ્બોની તકલીફ સતાવે છે તો વીરુને ખભાનું દર્દ થાય છે. IPL નું નામ પડતા જ મોમાંથી લાલચની લાળ પડવા માંડે છે અને બધા જ ખેલાડીઓ અપ્રામાણિક રીતે ફિટનેસ નું પ્રમાણપત્ર લઈને હાજર થઇ જાય છે. આપણા ખેલાડીઓનો મહામંત્ર છે “ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ.” એનું સતત રટણ કરી મંત્ર સિદ્ધિ મેળવી છે.

        IPL ની વાત કરીએ અને પોતાની જાતને કીંગખાન કહેવડાવનાર શાહરુખને યાદ ના કરીએ તો તેને અન્યાય થયો ગણાય. જયપુરની મેચમાં સિગારેટના ધુમાડા કાઢતો નજરે પડ્યો અને કોર્ટ કાર્યવાહી થઇ—માત્ર નામ પૂરતી. એક મેચ તેની ટીમ જીતી એટલે તેને સર્કસના કલાકાર જેવું ઊંધે માથે ચાલવાનું કરતબ બતાવ્યું—તેના ભાવિનો ભેદ તે કદાચ જાણી ગયો હશે! Mumbai Indians ની ટીમ સામે મુંબઈમાં KKR જીતી તેનો ઉન્માદ શાહરુખ હજમ નાં કરી શક્યો અને દારૂ પીધેલા વાંદરા જેવો હંગામો મચાવ્યો. સામે પક્ષે Mumbai Cricket Association નાં મહારાષ્ટ્રીયન હોદેદારો ઘર આંગણે તેમનો પરાજય પચાવી ના શક્યા અને મોટો બખેડો ઊભો થઇ ગયો. શાહરુખના મેદાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. જો કે થોડાક જ દિવસોમાં પ્રતિબંધ ઊઠી જશે એવી તમામને શ્રધ્ધા છે—શાહરુખ કરતાય વિશેષ.
હવે Mumbai Indians ની વાત નીકળી જ છે તો હરભજનની વાત પણ કરીએ. તેની ટીમને તે ફક્ત પોઈન્ટસ મેળવવા જીતાડવાની કોશિશ નથી કરતો પણ કોઈક બીજું motivation પણ છે, જે મેચ જીત્યા બાદ નજરે પડે છે.

       IPL સત્તાધીશો અને સટ્ટાધીશો માટેની ફળદ્રુપ જમીન છે. મોટા ભાગના નિર્ણયો Boardroom માં નહિ પણ Bedroom માં લેવામાં આવે છે. પોલીસના દરોડામાં કેટલાક બુકીઓ ઝડપાયા. પશ્ચિમ દિલ્હીમાંથી પોલીસે બુકીઓનો મોટો અડ્ડો પકડ્યો જ્યાંથી ૩૦૦ બુકીઓની સિન્ડીકેટની જાળ ગૂંથાયેલી મળી. આપણો “The Public Gambling Act, 1867, નો છે જે નપુંસક છે માટે કરોડોના સટ્ટાખોરો રૂપિયા ૧૦૦ ના જામીન પર થોડા જ દિવસમાં છૂટી જઈ પાછા ધંધે લાગી જાય છે.પરદેશથી આયાત કરવામાં આવતી મુન્ની,શીલા,ચમેલી, અનારકલી સમાન ચીયર લીડર્સ મેદાન પર તો બિભત્સ અને અશ્લીલ મનોરંજન પૂરું પાડે જ છે પણ એમની ખરી જરૂરત તો રમીને, હારીને, જીતીને, થાકેલાઓનો થાક ઉતારવા માટે છે. રાજીવ શુક્લા પોતાનો બચાવ કરતા હંમેશા એક જ વાતનું રટણ કરે છે, “ I am IPL Commissioner not Police Commissioner.” અરે !ભાઈ,પાદવાની પહોંચ નહતી તો તોપખાનાની જવાબદારી શા માટે સ્વીકારી? ક્રિકેટ તો એક માત્ર બહાનું છે જેની આડમાં ઢગલાબંધ ગોરખ ધંધાઓ ચાલે છે. આ દેશના બદમાસ ઉદ્યોગપતિઓ, તેમની પત્નીઓ અને ખરેખરી ઉદ્યોગપત્નીઓ મોટા પાયે Money Laundering કરી રહ્યા છે. જે વાત પાંચ ક્રિકેટરોના સ્ટીંગ ઓપરેશને છતી કરી. An underground economy is clearly thriving in IPL. લાંચ નામના એમરી પથ્થરે કંટકશોધન અધિકારીઓના કાંટા બુત્ઠા કરી નાખ્યા છે. એક વાતનો સંતોષ છે કે કોઈ અંબાણીએ કે અદાણીએ ગુજરાતની ટીમ બનાવી નથી.અને ગુજરાતને આ દૂષણથી અભડાવ્યું નથી.

ભાંડ, ભવૈયા, ગવૈયા, રમૈયા ઈત્યાદિના ના હાલ પૂરતા તો દિવસો પૂરા થયા છે.

ભારતનું ભૂમંડળ અને વાયુમંડળ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ઈત્યાદિ તમામ પ્રકારના વિકારોના ભરડામાં હતું તે હવે ધીરે ધીરે મુક્ત થઇ રહ્યું છે. Normalcy આવી રહી છે.

આપણા દેશને બધા “કેશરહિત વિપ્ર વિધવાનું ખેતર” ભાળી ગયા છે. સામાન્ય પ્રજા “આંસુઓનું ચૂર્ણ ચાવીને આભાસી તૃપ્તિનો ઓડકાર ખાઈ રહી છે.” હવે, at any point of time, જનતાનો જઠરાગ્નિ, દાવાનળ બનીને આ અસુરોને ભસ્મ કરી દેશે. 



I.P.L.માં ખરેખરું મનોરંજન Newzealand ના એમ્પાયર cum વિદૂષક Billy Bowden એ પૂરું પાડ્યું.
ચોક્કો કે છક્કો મારતા ખેલાડીને  શ્રમ પડે તેનાથી વધું શ્રમ તેનું Signaling કરવામાં તેમને પડતો હતો. આથી દરેક મેચ બાદ બીલીને Intra venous , Glucose saline with Voveran ચઢાવવું પડતું હતું.
તાજા સમાચાર મુજબ તેમને તેમના દેશમાં Isolation રાખવામાં આવ્યા છે, કારણકે ભારતના ચેપી રોગો ત્યાં પ્રસરે નહિ.

                                                                                                              ભાર્ગવ અધ્યારૂ

શનિવાર, જૂન 02, 2012

RUCHA: I.P.L. = ક્રિકેટનું બીકીનીકરણ

RUCHA: I.P.L. = ક્રિકેટનું બીકીનીકરણ:            પહેલાના સમયમાં હુસ્નની મંડીમાં રંડીઓની બોલી લગાવવામાં આવતી હતી. શ્યામ વર્ણવાળા ગુલામોની હરાજી કરવામાં આવતી હતી. ત્યારે ક્યાં...

મંગળવાર, મે 22, 2012

RUCHA: DEMENTIA -------ચિત્તભ્રમ

RUCHA: DEMENTIA -------ચિત્તભ્રમ: સાંપ્રત સમયની અત્યંત ગંભીર અને તીવ્રતાથી આગળ ધપી રહેલી આ એક મહામારી છે. દર ચાર સેકન્ડે એક વ્યક્તિ વિશ્વમાં આ રોગનો શિકાર બની રહી છે. ભારતમા...

DEMENTIA -------ચિત્તભ્રમ



સાંપ્રત સમયની અત્યંત ગંભીર અને તીવ્રતાથી આગળ ધપી રહેલી આ એક મહામારી છે.

દર ચાર સેકન્ડે એક વ્યક્તિ વિશ્વમાં આ રોગનો શિકાર બની રહી છે. ભારતમાં દશ ટકા લોકો આ વ્યાધિનો શિકાર બની રહ્યા છે. AMNETIA માણસના મગજના ઘણા વિકારો આ રોગ માટે જવાબદાર છે. આ રોગને કારણે ક્યારેક ધીમે ધીમે કે ક્યારેક અતિ ઝડપથી મગજનો ક્ષય થાય છે અને આખરે વ્યક્તિને સ્થાન અને સમયનું ભાન રહેતું નથી. ક્યારેક રોગી ભાષાને સમજી શકે છે તો ક્યારેક બિલકુલ નહિ. સ્વજનોને પણ તે વ્યક્તિ ઓળખી શક્તિ નથી. દૈનિક ક્રિયાઓ દર્દી માટે અસંભવ બની જાય છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં અંદાજે ૩.૫ કરોડ લોકો ડિમેન્શિયાગ્રસ્ત છે, જે પૈકી ૩૭ લાખ લોકો ભારતના છે. WHO નાં નવીનતમ રીપોર્ટ અનુસાર ૭૦ લાખ લોકો દર વર્ષે આ રોગની ઝપટમાં આવતા જાય છે. WHO નાં રિપોર્ટ મુજબ સન ૨૦૩૦ સુધીમાં ૬ કરોડ લોકો અને સન ૨૦૫૦ સુધીમાં લગભગ ૧૫ કરોડ લોકો આ બિમારીની ઝપટમાં આવી ગયા હશે. કેટલાક અપવાદ બાદ કરતા આ રોગ સાઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓમાં વ્યાપક રૂપે જોવા મળે છે. ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં વ્યક્તિગત આયુષ્ય લાંબુ છે માટે આ દેશોમાં આ રોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.

જન્મથી મૃત્યુ પર્યંત મગજ ક્રિયાશીલ રહેતું હોય છે. તે આપણા શરીર અને મન દ્વારા થતી પ્રક્રિયાઓને સંચાલિત કરે છે અને વળી તેના વડે પ્રભાવિત પણ થાય છે. મગજ નામના આ યંત્રને વ્યાયામ અને વિશ્રામ બંનેની આવશ્યકતા રહે છે. નિયમિત રૂપે થતી સ્વાભાવિક અને આવશ્યક એવી શારીરિક અને માનસિક ક્રિયાઓ મગજ માટે વિશ્રામની અવસ્થા છે. અને અન્વેષણ, સર્જન જેવી ક્રિયાઓ તેને માટે વ્યાયામ છે. વ્યર્થ ચિંતાઓ અને માનસિક ઘોઘાટ એ મગજ માટે બોજ છે.
ટી.વી. ની વિવિધ ચેનલોના પ્રોગ્રામ, જાહેરાતો, રેડિયોની F.M. ચેનલો, SOCIAL NETWORKING SITES એ નથી મગજને વિશ્રામ આપતા કે નહિ વ્યાયામ. કેવળ એક અજંપો.

ઓશો કહે છે, કે માણસની ઉમર વધે તેની સાથોસાથ મગજની ક્ષમતા ઘટે એ જરૂરી નથી. મગજ જીવનની અંતિમ પળ પર્યંત તરોતાજા અને યુવાન રહી શકે છે. જરૂરત છે કેવળ મૌન કેળવવાની. માનસિક અને વાચિક બન્ને. વ્યક્તિએ આ કળામાં પારંગત બનવાની જરૂર છે. દિવસમાં કમ સે કમ કેટલીક ક્ષણ માટે તો માણસે મૌનમાં ડૂબકી લગાવવી જોઈએ. ક્રમશ: જેમ જેમ આ કળામાં માણસ નિપૂણતા હાંસલ કરતો જશે જશે તેમ તેમ માણસને ખબર પણ નહિ રહે કે તેનું મન કેટલીક ક્ષણો માટે વિરામમાં અને વિશ્રામમાં હતું. અને તેનું મગજ એક અલૌકિક વિશ્રામની અનુભૂતિ કરશે.
વિશ્રામ પછી માણસનું મગજ એકદમ એક આયના સમાન સ્પષ્ટ, શુદ્ધ અને ઉર્જાથી ભરપુર હશે.

કેનેડામાં થયેલી એક ક્લીનીકલ રીસર્ચનું તારણ એવું છે કે જે માણસ માતૃભાષા ઉપરાંત બીજી ભાષાનું જ્ઞાન ધરાવતો હોય તો તેને DEMENTIA થવાની સંભાવના ઘટી જાય છે. આ નિષ્કર્શનું વિશ્લેષણ એવું છે કે જયારે માણસ બીજી ભાષાનો પ્રયોગ કરતો હોય ત્યારે મગજ માટે વિશ્રામ અને વ્યાયામની એક લય ચાલે છે. માણસ જયારે બીજી ભાષા નો પોતાની માતૃભાષામાં અનુવાદ કરતો હોય ત્યારે વ્યાયામની પ્રક્રિયા ચાલે છે અને વચમાં જે ક્ષણ રહી જાય છે તેમાં વિશ્રામની અવસ્થા અજાણપણે જ પ્રાપ્ત થઇ જાય છે.

ઘણી પથીઓ મથી પણ હજુ આ દર્દની દવા મળી નથી.

ચાલો આપણે મૌન થઇ જઈએ, આનંદિત થઇ જઈએ અને DEMENTIA ને બાય બાય કરી દઈએ!


ભાર્ગવ અધ્યારૂ



સાભાર: યસ ઓશો

ગુરુવાર, મે 17, 2012

RUCHA: જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ

RUCHA: જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ: મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદ...

શનિવાર, મે 12, 2012

જીવનની અફર સફર


“માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય.......


માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય 
                     એ કંઈ  જેવી તેવી વાત નથી.


ઘરઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઇ પૂજાય
                     એ કંઈ  જેવી તેવી વાત નથી.


વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય 
                      એ કંઈ જેવી તેવી વાત નથી.


હથેલીઓનની વચ્ચે એના ગૂંજ્યા કરશે પડઘા
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા
ઘડી પહેલા જે ઘર કહેવાતું દીવાલો કહેવાય
                      એ કંઈ જેવી તેવી વાત નથી.


સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહિ સરકે
પાંપણ ઉપર દર્પણ જેમ ઘટનાઓ તરડાય
                      એ કંઈ જેવી તેવી વાત નથી.


                                   -----સંદીપ ભાટિયા 




“કાળ બેઠો કાગવાસ ખાય છે....

કાળ બેઠો બેઠો કાટમાળ ખાય છે.
પશુઓ ખાધાં અને ટહુકા પીધા 
અને માણસોની ખાયા કરે લાશ.

ખાઉધરો એવો કે આટલુંય ખાધાં પછી 
ક્યાય એને વળતી નથી હાશ.

માનવનાં વૃક્ષની ડાળીઓ કાપીને, દાતણ કરીને,
થીજેલાં આંસુઓની નદીમાં ન્હાય છે.

વીફરેલી સંસ્કૃતિ સાથે સંબંધ
અને સાંજે પીએ લોહીનો શરાબ 
ચિતાના લાકડાની સિગરેટ પીએ 
અને ધુમાડામાં રોફ ને રુઆબ.

ભૂકંપના તાલે તાલે નાચેકૂદે
અને માણસની મૈયતને 
બારાત સમજીને એ તો 
નફફટની જેમ ગીત ગાય છે.
કાળ બેઠો બેઠો કાગવાસ ખાય છે.

                                     સુરેશ દલાલ 



જીવન અને મરણ બને ત્રણ અક્ષરના શબ્દો છે. માણસ જીવનકાળ દરમ્યાન ચાહે એટલા ઉધામા કરી લે પણ જે જન્મે છે એની અંતિમ મંઝીલ મૃત્યુ નિશ્ચિત જ છે. ધન, દૌલત, સત્તા, ઐશ્વર્ય અને સ્ત્રી સંતાનને આપણે છોડી શકતા ન હતા  અને જે ફિકર- ચિંતાઓ આપણને છોડતી ન હતી તેને મૃત્યુ એક પળમાં છોડાવી દે છે. શક્તિશાળી યોધ્ધાને મહાત કરે એવું બળવાન છે મૃત્યુ. બે શત્રુઓને એક પથારીએ સુવડાવે એવું સમાધાનકારી છે આ મૃત્યુ. મૃત્યુ કદી જંપીને બેસતું નથી એવું કાર્યશીલ છે. એ સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ, સમદર્શી અને સમાનધર્મી છે.

જયારે ભૂકંપ, સુનામી, આગજની, પૂર, સામુહિક રોગચાળા  જેવી ઘટનાઓ ઘટે ત્યારે મૃત્યુ આતંકવાદી જેવું લાગે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં માણસો અને મિલકતો સફાચટ થઇ જાય છે. એક ક્ષણ માટે ભગવાન કહો કે કુદરત ભરોસો ઊઠી જાય છે. આ પૃથ્વી પર ગમે એટલી વસતિ હોય પણ સ્મશાન કે કબ્રસ્તાનમાં હોય છે એટલી વસતિ કદીય પૃથ્વી પર નથી હોતી.
સદગતના જીવન આદર્શોમાં “શ્રધ્ધા” રાખી વર્તવું એ “શ્રાદ્ધ” અને એના આત્માને તૃપ્તિ થાય તેમ વર્તવું એ “તર્પણ”.

                                                                                                                    ભાર્ગવ અધ્યારૂ 


ગુરુવાર, મે 10, 2012

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ



મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.


પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની


અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની


હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની


દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની


જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની


ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની


મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની


ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની


ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની


વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની


ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

                                                         દામોદર ખુશાલદાસ   બોટાદકર




એક નારી જયારે માતા બને છે ત્યારે એક જબરદસ્ત રૂપાંતરણ થાય છે. એક નવા અને આગવા અસ્તિત્ત્વનો ઉદય થાય છે. ઓશોએ ' પ્રસવવેદના' ના સ્થાને ' પ્રસવઆનંદ' શબ્દ પ્રયોજ્યો છે. જગતમાં સૌથી પવિત્ર શબ્દ છે મા . માતા પરમ સત્ય છે અને પિતા આ સત્યના સાક્ષી છે. ' माँ तेरी सूरत से अलग भगवानकी सूरत क्या होगी!' માતા ભગવાનની પ્રતિનિધિ છે જેનું કામ છે સંસારને સખળ ડખલ ના થવા દેવો. અચાનક કોઈ વિપત્તિ આવી પડે સહજ રીતે હે ...મા એવા ઉદગારો સરી પડે છે. ત્યાં ભગવાનનો પણ ગજ નથી ખાતો. માતાનું હ્રદય હિમાલય જેવું અડીખમ અને પુષ્પ સમાન કોમલ છે. એટેલે જ જયારે આપણી પડખે કોઈ ના ઊભું હોય ત્યારે મા પહાડ બનીને ઊભી રહે છે. પિતા બાહ્ય જગતનો પરિચય કરાવે છે જયારે મા આંતર જગતનો પરિચય કરાવે છે. શિશુને અસ્થિ પિતાના મળે છે પણ રક્ત, માંસ, મજ્જા માતાના મળે છે. જે આપણું જતન કરે, ચિંતા કરે અને પ્રેમથી જે ભાણું પીરસે એ મા .

નાયડો કપાય ત્યારે આપણે પેહલીવાર મા થી વિખૂટા થઈએ છીએ. અને માતા જયારે અવ્યક્ત થાય છે ત્યારે અતિ કરુણમય રીતે આપણો નાતો કપાઈ જાય છે. પણ મા ક્યારેય આપણાથી વિખૂટી થતી નથી. એ આપણી સાથે ને સાથે જ હોય છે.એના છૂપા આશીર્વાદ આપણને બળ આપે છે. માતા જેવું મનુષ્યને મળેલુ કોઈ વરદાન નથી. આપણા હાસ્યમાં એનો રણકો હોય છે અને આંસુમાં ભીનાશ. એનો પ્રેમ અસીમ અને કોઈ જ પ્રકારની અપેક્ષા વિનાનો હોય છે. ભયમાંથી નિર્ભય કરનાર મા . શિવાજી જેવા વીર પુરુષ ને વીરત્વ પ્રદાન કરવાવાળી તેમની મા જીજાબાઈ જ હતા. આપણા ચારિત્ર્ય ઘડતરમાં માતાનો સિંહ ફાળો હોય છે.

મા પોતાનું અને સંતાનનું જીવન સાથે સાથે જ જીવે છે. દેહ ભિન્ન, આત્મા એક . અનોખું અદ્વૈત. પિત્ત આપણ ને થાય અને કલેજું મા નું બળે. માથી પોતાના સંતાનની કોઈ વાત અજાણ રહેતી નથી. મા ખરા અર્થમાં અંતર્યામી છે. આપણા ઘરનું અજવાળું, સુંદરતા, સમૃદ્ધિ, વૈભવ સર્વે માના સત્ત્વ અને તત્વ ને આભારી છે. માતા જયારે એના બાળકને પ્રેમ કરે છે ત્યારે એ સૌથી શ્રીમંત હોય છે.

શ્રી વેણીભાઈ પુરોહિતે લખ્યું છે કે " જયારે હું ધ્રુજતા હાથે મારી માતાના મૃતદેહને અગ્નિદાહ આપતો હોઈશ ત્યારે, મને એક ધરપત રહેશે કે મારી માતાની માતા એટલેકે આપણા સૌની માતા જગત -જનની , ભવાની મારી સાથે જ છે અને રહેશે."

                                                                                                     ભાર્ગવ  અધ્યારુ 
                                                                                                    +91-9825038089



(મારી માતાની આઠમી  માસિક પુણ્યતિથિ નિમિત્તે તા.10.05.2012)