શુક્રવાર, જાન્યુઆરી 27, 2012

હવે સમજાયું આ દેશની પ્રજા ત્રાહિમામ કેમ?

રાજધર્મ  આજે પ્રજાસત્તાક દિવસે: આપણા સાંપ્રત રાજકર્તાઓ આવા ખરા?

                                                     રાજધર્મ માં જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નો સમાવેશ થઇ જાય છે.રાજધર્મ સર્વ લોકોને વશ રાખનાર છે. પ્રમાદી રાજા દ્વારા લોકમર્યાદા અને લોક્વ્યવ્સ્થા  અને સુલેહ  શાંતિનો  ભંગ થાય છે.
                                                     પુરુષાર્થી રાજા જ  સર્વ ક્ષેત્રમાં  વિજય પ્રાપ્ત કરી શકે છે. કોઈક સમયે રાજાનો કાર્યારંભ નિષ્ફળ નીવડે તો તેણે સંતાપ કરવાને બદલે કાર્યસિદ્ધિ માટે પુનઃ પ્રયાસ કરવો જોઈએ. રાજાઓની કાર્યસિદ્ધિ માટે સત્યના જેવો બીજો કોઈ ઉપાય નથી.
                                                      રાજા ગુણવાન, સદાચર સંપન્ન, દયાવાન, જિતેન્દ્રિય, ઉદાર અને સરળ હોવો જોઈએ. તેણે પોતાના છિદ્રો  અને નબળાઈઓ ગુપ્ત રાખવા જોઈએ.અને  બીજાઓના એટલેકે  શત્રુઓના  છિદ્રો અને નબળાઈઓ શોધી તેનો લાભ લેવો જોઈએ. રાજાએ પોતાના રાજકીય વિચારોને ગુપ્ત રાખવા જોઈએ. વસંત ઋતુના શોભાયમાન સૂર્યની પેઠે રાજાએ તીક્ષ્ણતા અને મૃદુતા વચ્ચે સમતુલા જાળવવી  જોઈએ.
                                                      રાજાએ તમામ વર્ણોની પ્રજા પર હંમેશા દયા રાખવી જોઈએ. રાજાએ નિત્ય ક્ષમા પરાયણ પણ થવું નહિ કારણકે નિત્ય ક્ષમાશીલ  રાજાનું નીચ માણસ પણ અપમાન કરી જાય છે. રાજાએ પોતાના અને પારકા માણસોની નિરંતર પરીક્ષા કરવી. મનુસ્મૃતિમાં મનુએ જણાવેલા તમામ અઢાર પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. કારણકે વ્યસનોમાં વ્યસ્ત રાજા તિરસ્કારને પાંત્ર બને છે અને પ્રજા ઉદ્વેગ પામે છે. રાજાએ પોતાની પ્રિય વસ્તુનો પણ ત્યાગ કરીને લોકહિત થાય તેમ વર્તવું જોઈએ. ધૈર્યવાન રાજાને કોઈનો ભય રહેતો નથી.
                                                      રાજાએ પોતાના નોકર ચાકરોની સાથે અતિશય મજાક મશ્કરી  કરવા નહી; કારણકે તેમ કરવાથી નોકરો રાજાનું અપમાન કરી બેસે છે. રાજાની અજ્ઞાની ઉલ્લંઘન કરે છે. રાજાની ગુપ્ત વાતને પ્રકટ કરી દે છે. અયોગ્ય વસ્તુની માંગણી કરે છે.  રાજાને ગાળો પણ ભાંડે  છે, રાજાની ઉપર ચડી બેસે છે, લાંચો લઈને રાજાના કાર્યોનો વિનાશ કરે છે અને નકલી દસ્તાવેજો ઊભા કરી  રાજાના દેશને પાયમાલ  કરી મૂકે છે.  આવો રાજા જો કોપ કરે તો પણ સેવકો સામે ઊભા રહીને ખડખડાટ હસે છે.  સેવકો રાજાના ગુપ્ત વિચારને પ્રકટ કરી દે છે અને રાજાના દુષ્ટ  કૃત્યોને જાહેર કરી દે છે. રાજાનો દરજ્જો દિન પ્રતિદિન ઘટતો જાય છે.
                                                      નિત્ય ઉદ્યમશીલ રાજા જ પ્રશંસાને  પાત્ર છે.પ્રજાનું રંજન કરવું , સત્યની રક્ષા કરવી અને વ્યવહારમાં  સરળ રહેવું એજ રાજાનો પરમ ધર્મ છે. રાજાએ ખેડૂતોનો પાક બગડતો અટકાવવો  જોઈએ અને માફકસરની મેહસૂલ વસૂલવી જોઈએ. નોકર ચાકરના વેતનો સમયસર ચૂકવવા જોઈએ. જે રાજા શત્રુના અધિકારીઓને ગુપ્ત રીતે ફોડી શકે છે, તે રાજા પ્રશંસાને પાત્ર છે. રાજાએ રાજકોષ ધનથી ભરપૂર રાખવો જોઈએ પણ સત્પુરુષોનું ધન હરવું ન જોઈએ. જેઓનું  પોષણ ન થતું હોય તેઓને રાજાએ  પોષવા જોઈએ. રાજાએ મુખનો દેખાવ પ્રસન્ન  રાખવો જોઈએ અને ચેહરા પર સ્મિત રાખી ભાષણ કરવું જોઈએ.
                                                      રાજાએ સદગુન્સમ્પણ , વિદ્વાન, શુરવીર અને મુશ્કેલીના સમયમાં  પર્વતની પેઠે અડગ રહેનાર પુરુષોને પોતાના સહાયકો તરીકે રાખવા જોઈએ. રાજા આત્મશ્લાઘા રહિત હોવો જોઈએ. જે રાજાના રાજ્યમાં મનુષ્યો નિર્ભય થઈને વિચરે છે અને જે રાજમાં ફૂડ, કપટ ઈત્યાદિ નો અભાવ હોય છે, દાનશીલ હોય છે અને પંડિતોનો સત્કાર કરવાવાળો હોય છે, તે રાજા શ્રેષ્ઠ છે.

સંદર્ભ:મહાભારત.                                                                                                              ભાર્ગવ અધ્યારુ.

1 ટિપ્પણી: